સમગ્ર કચ્છમાં ધીમે ધીમે ઠંડી પોતાની પકડ મજબૂત કરી રહી છે.બીજી તરફ સરકાર દ્વારા ટેકાનાં ભાવે ઉનાળુ પાકની ખરીદી પણ કરવામાં આવી રહી છે. જેની વચ્ચે ખેડૂતો દ્વારા રવી પાકનું વાવેતર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.


શાકભાજી અને ઘાસચારા સહિતનાં પાકોનું વાવેતર

ખેડૂતો દ્વારા વાવેતરની શરૂઆત સાથે જ ૫૯,૯૭૮ હેક્ટરમાં વાવેતર કરી નાખવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ રાઇનું ૧૬,૮૮૮ હેક્ટરમાં અને બીજા નંબરે જીરુંનું ૧૧,૮૧૭ હેક્ટરમાં વાવેતર જોવા મળી રહ્યં છે.હાલે ખેડૂતો દ્વારા શિયાળાની ઋતુનાં પ્રારંભ સાથે જ ઘઉં, ચણા, રાઇ, શેરડી, જીરું, ધાણા, અજમો, લસણ, વરિયાળી, ડુંગળી, શાકભાજી અને ઘાસચારા સહિતનાં પાકોનું વાવેતર કરવા આવ્યું છે. જિલ્લામાં સરેરાશ ૧.૪૦ લાખ હેક્ટરમાં રવીપાકનું વાવેતર ધરતીપુત્રો કરતા હોય છે.

આગામી દિવસોમાં ક્રમશઃ વાવેતરમાં વધારો જોવા મળશે

જિલ્લામાં રવીપાકનું સરેરાશ ૧.૪૦ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે, પરંતુ જે રીતે ખેડૂતો દ્વારા સ્થાનિકે પાણીનાં સ્રોત ઊભા કરવામાં આવ્યા છે તે જોતાં પિયત ધરાવતાં ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે રવીપાકનું મહતમ વાવેતર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.નાયબ ખેતીવાડી અધિકારી શાન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કચ્છમાં ખેડૂતો દ્વારા રવીપાકનાં વાવેતરનાં શ્રી ગણેશ કરી દેવાયા છે. જેના પગલે પ્રારંભ સાથે જ ૫૯,૯૭૮ હેક્ટરમાં વાવેતર થયું છે. જે રીતે ખેડૂતો રવીપાકનાં વાવેતરમાં જોતરાઇ ગયા છે તે જોતાં આગામી દિવસોમાં ક્રમશઃ વાવેતરમાં વધારો જોવા મળશે.

જિલ્લામાં રવીપાકનાં પ્રારંભે થયેલું વાવેતર

જિલ્લામાં રવીપાકનાં થયેલા વાવેતર પર નજર કરવામાં આવે તો ઘઉંનું ૧૩,૬૪૩ હેક્ટરમાં, ચણાનું ૬૦૦ હેક્ટરમાં, રાઇનું ૧૬,૮૮૮ હેક્ટરમાં, શેરડીનું ૨૦ હેક્ટરમાં, જીરુંનું ૧૧,૮૧૭ હેક્ટરમાં, ધાણા ૭૫ હેક્ટરમાં, લસણ ૧૫ હેક્ટરમાં, સુવા ૩૦ હેક્ટરમાં, ઇસબગુલ ૨,૦૧૦ હેક્ટરમાં, વરિયાળી ૨,૯૮૫ હેક્ટરમાં, અજમો ૬૦૫ હેક્ટરમાં, ડુંગળી ૨૫ હેક્ટરમાં, શાકભાજીનું ૩,૯૩૧ હેક્ટરમાં, ઘાસચારનું ૬,૪૫૪ હેક્ટર મળી કુલ ૫૯,૯૭૮ હેક્ટરમાં વાવતર થવા પામ્યું છે.

ધરતીપુત્રોએ તાલુકા વાઇઝ કરેલું વાવેતર

કચ્છનાં વિવિધ તાલુકાઓમાં ખેડૂતો દ્વારા રવીપાકનાં પ્રારંભે કરેલા વાવેતરમાં અબડાસા તાલુકામાં ૧,૧૦૦ હેક્ટરમાં, અંજાર તાલુકામાં ૪,૫૦૦ હેક્ટરમાં, ભચાઉમાં ૨,૧૯૦ હેક્ટરમાં, ભુજમાં ૯,૫૨૭ હેક્ટરમાં, ગાંધીધામ તાલુકામાં ૨૮૦ હેક્ટરમાં, લખપત તાલુકામાં ૪૨૦ હેક્ટરમાં, માંડવી તાલુકામાં ૩,૦૧૦ હેક્ટરમાં, મુન્દ્રા તાલુકામાં ૧,૦૫૬ હેક્ટરમાં, નખત્રાણા તાલુકામાં ૧,૮૧૦ હેક્ટરમાં અને રાપર તાલુકામાં ૩૬,૦૮૫ હેક્ટર મળીને કુલ ૫૯,૯૭૮ હેક્ટરમાં વાવેતરનો સમાવેશ થાય છે.


  • Follow us on: