એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી. મળશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂપિયા 2000ના આગામી હપ્તા માટે ખેડૂત આઈ. ડી.ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.


ગ્રામસેવકનો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકશે

ઉલ્લેખનીય છે કે આજ દિન સુધીમાં બોટાદ જિલ્લામાં 65,000થી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ખેડૂત નોંધણી કરાવેલી છે. જેમાં બરવાળા તાલુકામાં 9,159, બોટાદ તાલુકામાં 19,188, ગઢડા તાલુકામાં 23,031 અને રાણપુર તાલુકામાં 16,655 જેટલા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ખેડૂત નોંધણી કરાવી છે. આથી બાકી રહેતાં બરવાળા તાલુકાના 1995, બોટાદ તાલુકાના 6,836, ગઢડા તાલુકાના 5,318 અને રાણપુર તાલુકાના 3,821 જે તાલુકાઓના કુલ 17,970 જેટલા પીએમ કિસાન યોજનાના લાભાર્થી તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરીએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વીસીઈ) તથા કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)નો તેમજ ગ્રામસેવકનો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકશે.

ખેડૂત જાતે પણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન

હાલમાં જિલ્લામાં કામગીરી સતત ચાલું છે અને તમામ ગામોમાં આ કામગીરીની નોંધપાત્ર પ્રચાર પ્રસાર થકી ગત પખવાડિયામાં 10,500થી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત ખેડૂતો પોતાની જાતે સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પણ ખેડૂત નોંધણી કરી શકશે. બોટાદ જિલ્લાના તમામ ખાતેદાર ખેડૂત ભાઈઓ અને બહેનોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી બોટાદ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


  • Follow us on: