ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. ઘણા ખેડૂતોની મગફળી માવઠાને કારણે ધોવાઈ ગઈ છે. ખેતરમાં પાણીને કારણે પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે સરકારે મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો તાગ મેળવવા માટે મોકલ્યા હતાં. બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં પાક નુકસાનીના સરવેનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે.


કમોસમી વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી બની

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યુ છે. હવે પાક નુકસાનીના સરવેને લઈને ફરી વિવાદ ઉભો થયો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નુકસાનીના સરવેનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. કાજરડી ગામમાં ખેડૂતો ભેગા થયા હતાં જ્યાં એક જ સૂરે પાક નુકસાનીના સરવેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સરકારે સરવે કરીને વળતર આપવાની જાહેરાત કરતાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો. આ ખેડૂતો દ્વારા સો ટકા નુકસાનું વળતર આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.

ખેડૂતોએ લેખિતમાં ખેતીવાડી અધિકારીને આવેદન આપ્યું

ઉનાના કાજરડી ગામમાં ખેડૂતો ગ્રામ પંચાયત ખાતે એકઠા થયા હતાં. તેમણે પાક નુકસાનીના સરવેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ ખેતીવાડી અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. સરકારે પહેલી નવેમ્બર 2025ના રોજ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી થયેલા માવઠાને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેતરમાં ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. ઘણા ખેડૂતોની મગફળી માવઠાને કારણે ધોવાઈ ગઈ છે.


  • Follow us on: