ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર પંથકમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની હાલત દયનીય બનાવી દીધી છે. આ માવઠાએ શાબ્દિક રીતે ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવી લીધો છે. કોડિનારના ફાચરિયા ગામની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે, જ્યાં ખેતરોમાં છેલ્લા 5 દિવસથી પાણી ભરાયેલા છે. સતત પાણી ભરાઈ રહેવાને કારણે ખેડૂતોએ મહેનતથી ઉગાડેલા મુખ્ય પાકો જેવા કે મગફળી અને સોયાબીનનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. તૈયાર પાકને થયેલા નુકસાનથી ખેડૂતો માથે દેવાનો મોટો ડુંગર આવી પડ્યો છે અને જગતના તાતની હાલત કફોડી બની છે.
લોન અને ગુજરાન ચલાવવાનો મોટો પડકાર
માવઠાના મારથી બેહાલ થયેલા ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી છે. એક ખેડૂતે દુઃખ સાથે જણાવ્યું કે, "અમે વાવેતર કરવા માટે લોન લીધી હતી. હવે પાક નિષ્ફળ ગયો છે. અમને વાવેતરનું વળતર પણ નહીં મળે પણ લોન તો ભરવી પડશે." આ સ્થિતિએ ખેડૂતોને આર્થિક સંકટમાં ધકેલી દીધા છે. અન્ય એક ખેડૂતે પોતાની પીડા વ્યક્ત કરતાં કહ્યું કે, "અમને આ પાક પર મોટી આશા હતી, પણ હવે અમારું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે." ખેતી નિષ્ફળ જવાથી ખેડૂતોને કમાણી તો થઈ જ નથી, પણ તેમની મૂડી પણ ધોવાઈ ગઈ છે.













