વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામમાં આવેલી કે.ડી.બી. હાઈસ્કૂલમાં પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર હસમુખભાઈ મોહનભાઈ પટેલ દ્વારા સ્કૂલના બાળકોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ સિવાય જીવામૃત, બીજામૃત, આચ્છાદાન, વાફસા અને જૈવ વૈવિધતાનું મહત્વ સમજાવ્યું હતું.


નવી પેઢીના બાળકોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ વિશેના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે

આ સાથે જ દેશી ગાયનું મહત્વ સમજાવી તેમના ગોબર, દૂધ, ગૌ મૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે માર્ગદર્શન આપી રાજ્ય સરકાર દ્વારા ચાલતા ખેતીવાડી તથા આત્મા પ્રોજેક્ટ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આમ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાઉન્ડ લેવલથી નવી પેઢીના બાળકોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ વિશેના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. જેથી તેઓ પણ ભવિષ્યમાં આ પરોપકારી ખેતીના વાહક બને અને પોતાના માતા પિતાને પણ પ્રાકૃતિક ખેતી અને તેની ખેત પેદાશનો ઉપયોગ કરવા માટે વાકેફ કરી શકે.

ધરમપુરના કરંજવેરી ગામમાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન ખેડૂત મિત્રો માટે કરવામાં આવ્યું હતુ. જેમાં એગ્રી આસિસ્ટન્ટ સરિતાબેન એમ. ઠાકર્યા તેમજ કૃષિ સખી નયનાબેન દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી, જેમાં ગાય આધારીત ખેતી કરવાના ફાયદાઓ વિશે સમજણ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી ઝેર મુક્ત ખોરાક મળે છે તથા પ્રાકૃતિક ખેતીથી પકવેલા ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે, જેથી સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ ઓછો થાય છે તેના વિશે માહિતી આપવામાં આવી હતી.


  • Follow us on: