કેટલીક વાર મહાનગર પાલિકા દ્વારા એવા કામ કરવામાં આવતા હોય છે કે જેમાં નાગરિકો એવું કહેતા હોય છે કે અમારા રૂપિયાનું પાણી કરી નાખ્યું, જોકે આ વખતે અમદાવાદ મહાનગરપાલિકાએ એવું કામ કર્યું છે જેનાથી શહેરીજનો મહાનગરપાલિકાની વાહ વાહી કરી રહ્યા છે.


સ્કલ્પચર માટે લાખો કરોડોનો ખર્ચ કર્યા વિના સંપૂર્ણપણે ભંગારમાંથી બનાવવામાં આવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં 'વેસ્ટમાંથી બેસ્ટ'નો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. શહેરના વિવિધ સર્કલો વિવિધ આકર્ષક સ્કલ્પચરથી સુશોભિત કરવામાં આવ્યા છે, સૌથી મહત્વની વાત એ છે કે આ સ્કલ્પચર માટે લાખો કરોડોનો ખર્ચ કર્યા વિના સંપૂર્ણપણે ભંગારમાંથી બનાવવામાં આવ્યા છે. જેના કારણે કોર્પોરેશને કરેલા આ કામો પર તમામ શહેરીજનો ગર્વ અનુભવી રહ્યા છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા આ સ્કલ્પચરોથી શહેરના વિવિધ સર્કલ સુશોભિત થઈ રહ્યા છે. સાથે જ દર વર્ષે કોર્પોરેશનમાંથી નીકળતા કચરાનો સદઉપયોગ પણ થઈ રહ્યો છે.

વેસ્ટના યોગ્ય વ્યવસ્થાપનનો પણ એક મજબૂત દાખલો બેસાડવામાં આવ્યો

આ અંગે AMCના એડિશનલ સિટી એન્જિનિયર હિમાંશુ મહેતાએ કહ્યું કે આ સ્કલ્પચર બનાવવામાં કોર્પોરેશનના અલગ અલગ વિભાગોમાંથી ભેગા કરેલા ભંગારનો ઉપયોગ કરવામાં આવ્યો છે, દર વર્ષે ક્લોરિન ટેન્ક, પાઈપો સહિતના મોટી સંખ્યામાં ભંગાર નીકળતો હોય છે. જેને સસ્તા ભાવમાં વેચવામાં આવતો હોય છે, જો કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ ભંગારનો રિયુઝ કરવાનો વિચાર અધિકારીઓને આવ્યો હતો, જેમાં આવા 32 જેટલા અલગ અલગ સ્કલ્પચર તૈયાર કરાયા છે આ સ્કલ્પચરમાંથી 22 જેટલા સ્કલ્પચર શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે ખાલી પડેલા ચાર રસ્તા પાસેના સર્કલ હવે આકર્ષક લાગી રહ્યા છે. વેસ્ટમાંથી બેસ્ટ બનેલા આ સ્કલ્પચર અમદાવાદને એક નવી ઓળખ આપી રહ્યા છે. આ સાથે જ વેસ્ટના યોગ્ય વ્યવસ્થાપનનો પણ એક મજબૂત દાખલો બેસાડવામાં આવ્યો છે. 

  • Follow us on: