રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવાળીના તહેવાર નિમિત્તે મુસાફરોની સુવિધા અને સુરક્ષાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદના વ્યસ્ત ગીતા મંદિર બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તહેવારના કારણે બસ સ્ટેશન પર વતનની વાટ પકડી રહેલા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે DYCMએ ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ ખાસ કરીને મુસાફરોની વધેલી સંખ્યાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસ સંચાલનની વ્યવસ્થાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
DYCM હર્ષ સંઘવીએ લીધી ગીતા મંદિરની મુલાકાત
તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. નાયબ મુખ્યમંત્રીએ બસ સ્ટેશન પર હાજર રહેલા બસમાં સવાર મુસાફરો સાથે સીધી વાતચીત પણ કરી હતી. તેમણે મુસાફરોને મળી રહેલી સુવિધાઓ અને તેમને પડતી મુશ્કેલીઓ વિશે પ્રત્યક્ષ પ્રતિભાવ મેળવ્યો હતો. આ નિરીક્ષણ દરમિયાન ટ્રાન્સપોર્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા.













