અમદાવાદમાં 12મી જૂને થયેલી વિમાન દુર્ઘટના બાદ સરકારનાં અન્ય વિભાગોની જેમ માર્ગ અને મકાન વિભાગ પણ સતત ખડેપગે છે.મૃતક મુસાફરોનાં DNA સેમ્પલિંગ સહિતની પ્રક્રિયાનાં કારણે જે પરિવારજનોનું અમદાવાદમાં રોકાણ જરૂરી છે તેમના માટે એનેક્ષી સર્કિટ હાઉસ,ખાનગી હોટેલ સહિતનાં સ્થળો પર 73 રૂમ રિઝર્વ રાખવામાં આવ્યા છે.જે પૈકી 18-06-2025ની પરિસ્થિતિએ 65 રૂમમાં 165 વ્યક્તિઓએ રોકાણ કર્યું છે.રોકાણ અને ભોજન સહિતની આ વ્યવસ્થા નિ:શુલ્ક ઉભી કરવામાં આવી છે.આકસ્મિક સંજોગોને ધ્યાનમાં પરિવારજનોનાં ટ્રાન્સપોર્ટેશન માટે કુલ 12 કાર સતત સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
અત્યાર સુધીમાં કુલ 206 DNA સેમ્પલ મેચ થયા
વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 206 DNA સેમ્પલ મેચ થયા છે.જેમાં 154 ભારતીય, 6 પોર્ટુગીઝ, 37 બ્રિટન અને 1 કેનેડાના તેમજ 8 નોન પેસેન્જર નાગરીકનો સમાવેશ થાય છે.જેમાંથી 169 મૃતદેહોને સન્માનપૂર્વક સમગ્ર પ્રક્રિયા ગણતરીની મીનિટોમાં જ પૂર્ણ કરીને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.જેમાં 128 ભારતીય, 4 પોર્ટુગીઝ, 30 બ્રીટન, 1 કેનેડાના અને 6 નોન પેસેન્જરને મૃતદેહ સોંપવામાં આવ્યા છે.તે સિવાય અન્ય 11 મૃતદેહ પણ સન્માનજનક પરિવારોને સોંપવામાં આવ્યા હતા.
હાલાકી ન ભોગવવી પડે તેની સંપૂર્ણ તકેદારી
મૃતકોના પરિવારજનોના સમયનો બચાવ થાય અને તેમને કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે આ કંટ્રોલરૂમ ખાતે એક જ સ્થળે પોલીસ ડેસ્ક, ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટ ડેસ્ક, એર ઇન્ડિયા ડેસ્ક, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડેસ્ક જેવા વિવિધ ડેસ્ક ઊભા કરાયા છે. આ તમામ દસ્તાવેજીકરણની પ્રક્રિયા માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં પૂર્ણ કરીને, પાર્થિવ દેહને સન્માનપૂર્વક પરિવારને સોંપવામાં આવે છે.