અમદાવાદમાં ચોમાસા પહેલા પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી હતી. દર વર્ષે પ્રિ મોન્સૂનની કામગીરી પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે તેમ આ વખતે પણ કામગીરી પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમા પહેલા જ વરસાદમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ભૂવા અને ખાડાના કારણે પણ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે ફરીવાર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પાણી ભરાવાની સમસ્યા દૂર થશે તેવો દાવો કર્યો હતો.
ખારીકટ કેનાલથી પણ વરસાદી પાણીનો નિકાલ કરાશે
અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો હતો કે, શહેરમાં પાણી ભરાવાની સમસ્યા દૂર થશે. પૂર્વ વિસ્તારમાં ટ્રંક લાઈનની કામગીરી 27 જૂને પૂર્ણ થશે. આ ઉપરાંત ખારીકટ કેનાલથી પણ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે. શહેરમાં હાલમાં ચાલી રહેલી કામગીરી પૂર્ણ થયા બાદ વરસાદના પાણી ભરાવાની સમસ્યા દૂર થશે. મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કરેલો આ દાવો પણ ક્યાં સુધી ટકે છે એ તો આવનારો સમય બતાવશે પણ શહેરમાં વર્ષોથી પાણી ભરાઈ જવાના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડે છે.
અધિકારીઓ મૂંઝાયા હતા અને જવાબ આપી શક્યા નહોતા
બીજી તરફ શહેરમાં થોડા સમય અગાઉ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો ત્યારે એક હોર્ડીંગ તૂટી પડ્યું હતું અને એક મહિલાને ઇજા પણ પહોંચી હતી. એસ્ટેટ કમિટીની બેઠકમા શહેરમાં જે મોટા હોર્ડીંગ લાગેલા છે જેમાં જરૂરી એવા સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ એક જેવા જ હતા અને મોટા ભાગના રિપોર્ટ એક જ એન્જિનિયર પાસે તૈયાર કરાવવામાં હતા કે અંગે પૂછતાં અધિકારીઓ મૂંઝાયા હતા અને જવાબ આપી શક્યા નહોતા જેના કારણે આ મામલે તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ આપવામાં આવ્યા છે.