અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં દેશભરમાં શોકનો માહોલ છે, ત્યારે પોલીસ અને તંત્રની ટીમ તપાસનો ધમધમાટ કરી રહી છે, તપાસ દરમિયાન ગુજરાત એટીએસને એર ઈન્ડિયા 171 વિમાનનું ડીવીઆર મળી આવ્યું છે, તો સમગ્ર ઘટનાને લઈ એટીએસએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કાટમાળમાંથી મળ્યું ડીવીઆર
સમગ્ર ઘટનાને લઈ વાત કરીએ તો કાટમાળમાંથી આ ડીવીઆર મળી આવ્યું છે, ગુજરાત ATSના એક અધિકારીએ જણાવ્યું કે, ક્રેશ થયેલા એર ઇન્ડિયા પ્લેનના કાટમાળમાંથી અમને DVR(ડિજિટલ વીડિયો રેકોર્ડિંગ) મળ્યું છે. FSLની ટીમ પણ થોડીવારમાં આવી પહોંચશે. આ ડીવીઆરને લઈ તપાસ કરવામાં આવશે અને જરૂરી તમામ વસ્તુઓ આ ડીવીઆરમાંથી મળી શકે તેવી પણ શકયતાઓ સેવાઈ રહી છે, કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવતી હતી તે દરમિયાન આ ડીવીઆર મળી આવ્યું છે.
274 લોકોના પોસ્ટમોર્ટમ કરાયા
ગઈકાલે અમદાવાદ શહેરમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. આજે સવારે 4:00 વાગ્યા સુધી આ કામગીરી ચાલી હતી જેમાં 274 લોકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં 30થી વધુ લોકો મોડી રાત સુધી જોડાયા અને સવારે આ કામગીરી પૂર્ણ થઈ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવી રહ્યાં છે.
પ્લેન ક્રેશમાં વધુ એક ક્રૂ મેમ્બરની ઓળખ થઇ
એર હોસ્ટેસ અપર્ણાની ઓળખ થઇ, નખ, કપડા અને વાળ પરથી થઇ ઓળખ તો અપર્ણાના પતિએ મૃતદેહની કરી ઓળખ અને અપર્ણાના પતિ પણ એર ઈન્ડિયામાં છે પાયલોટ, અપર્ણા મુંબઈમાં પરિવાર સાથે રહેતી હતી.