અમદાવાદમાં એરઇન્ડિયાનું પ્લેન ગુરુવારના રોજ દુર્ઘટનાગ્રસ્ત થતા મોટી જાનહાનિ થઈ. 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતું એર ઇન્ડિયાની AI171 ફ્લાઇટ ટેક ઓફ થયાની 1 મિનિટમાં ક્રેશ થઈ. પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને આજે ચોંકાવનારી માહિતી સામે આવી છે. એરઇન્ડિયાની AI171ની ફલાઈટમાં મુસાફરી કરનાર પોરસ પટેલ નામના શખ્સે અકસ્માત મામલે મોટો ખુલાસો કર્યો છે.


અમારા માટે ખૂબ ખરાબ અનુભવ રહ્યો

સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં પોરસ પટેલે AI171 ફલાઈટનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે પ્લેન ક્રેશ થયું એ જ પ્લેનમાં અમે થોડા સમય પહેલા મુસાફરી કરી હતી.  જણાવ્યું કે મારી પત્ની અને બાળકો સાથે 20મેના રોજ લંડન જતી એરઇન્ડિયાની AI171 ફલાઈટમાં મુસાફરી કરી હતી. અમારા માટે ફલાઈટ મુસાફરીનો અનુભવ બહુ ત્રાસદાયક રહ્યો. જ્યારે હું પરિવાર સાથે એરપોર્ટ પહોંચી બોર્ડીંગ પાસ કરાવી ટર્મિનલમાં ગયા ત્યારે અમને એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું કે તમારે થોડી રાહ જોવી પડશે. કારણ કે AI171 ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે ઉડાન ભરી શકશે નહી. 

ફલાઈટમાં જરૂરિયાત મુજબ સુવિધાનો અભાવ

પોરસભાઈએ કહ્યું કે ટેકનિકલ ક્ષતિના કારણે ફ્લાઈટ બે કલાક ડીલે થઈ હતી. અને ટેક ઓફ વખતે એસી બંધ રાખી ફ્લાઈટ ઉપાડી હતી. તેના બાદ પણ અમને ફલાઈટમાં સારી સુવિધાનો અભાવ જોવા મળ્યો. કારણ કે પ્લેન ટેક ઓફ થયાના 45 મિનિટ સુધી એસી ના ચાલતા ઠંડક નહોતી. દરમિયાન ફલાઈટમાં એન્ટરટેઇમેન્ટ માટે જે સ્કીન ડીવાઈસ હતી તે પણ ચાલતી નહોતી. મુસાફરી દરમિયાન અમને ફલાઈટમાં જરૂરિયાત મુજબ સુવિધાનો અભાવ જોવા મળ્યો.

આખરે મોટી દુર્ઘટના સર્જાઈ

આ ઉપરાંત અમે જ્યારે લંડનથી રીટર્ન થતા હતા ત્યારે પણ અમે આ જ ફલાઈટમાં પરત આવ્યા ત્યારે પણ અમને અગાઉની જેમ ખરાબ અનુભવ થયો હતો. ગતરોજ જ્યારે એરઇન્ડિયાની AI171 ફલાઈટ દુર્ઘટનાગ્રસ્ત હોવાનું સમાચારોમાં જોયું ત્યારે લાગ્યું કે આ ફલાઈટ લાંબા સમયથી ટેકનિકલક્ષતિનો સામનો કરી રહી હશે અને ટ્રેનમાં ખામી હોવા છતાં પણ તે કાર્યરત હતી અને આખરે મોટી દુર્ઘટના સર્જાઈ.


  • Follow us on: