અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 231 DNA મેચ થયા છે અને 210 મૃતદેહ પરિવારને સોંપાયા છે. જેમાં 155 ભારત, 36 બ્રિટન, 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન અને 9 સ્થાનિકોના મૃતદેહ સોંપવામાં આવ્યાં છે. આ ઘટનામાં ગુજરાતી ફિલ્મ મેકર મહેશ જીરાવાલાનું મોત નિપજ્યું છે. તેમના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. આખરે સમજાવટ બાદ જીરાવાલા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે. તેમણે DNA અને એક્ટિવાના ચેચીસ નંબરના આધારે મૃતદેહ સ્વીકાર્યો છે. તંત્રએ પુરાવા એકત્ર કરીને તેમને સમજાવ્યા હતાં.
DNA સહિતના પુરાવા એકત્રિત કરીને બતાવ્યા
અમદાવાદમાં જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે સાઈટ પરથી બળેલી હાલતમાં એક્ટિવા મળી આવ્યું હતું. મહેશ જીરાવાલાના પરિવારે મહેશ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેમનો મોબાઈલ પણ પ્લેન ક્રેશની જગ્યા પર સ્વીચ ઓફ આવતો હોવાની વિગતો પોલીસને મળી હતી. તેઓ શાહીબાગ નજીકથી ગુમ થયા હોવાની ફરિયાદ કરી હતી. આખરે તેમનો ડીએનએ મેચ થતાં તેમનો પરિવાર માનવા તૈયાર નહોતો. મહેશ જીરાવાલાના મૃતદેહને સ્વીકારવા પરિવારે ઈનકાર કર્યો હતો. પરંતુ તંત્રએ એક્ટિવાના ચેચીસ નંબર અને DNA સહિતના પુરાવા એકત્રિત કરીને બતાવતા આખરે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.
મહેશ જીરાવાલાનું એક્ટિવા મળી આવ્યું હતું
અમદાવાદમાં જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું ત્યાંથી મહેશ જીરાવાલાનું એક્ટિવા મળી આવ્યું હતું. તેઓ ગુમ થયા હોવાની જાણવાજોગ ફરિયાદ બાદ તપાસમાં ફિલ્મમેકર મહેશ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલાનો મોબાઈલ ક્રેશ સાઈડ જગ્યા પર સ્વીચ ઓફ થયાની વિગત મળી હતી. તેઓ પ્રથમ દ્રષ્ટિએ પ્લેન ક્રેશ બનાવમાં ભોગ બન્યા હોવાની શંકા ગઈ હતી. તેમના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો. ભાંગી પડેલા પરિવારને પોલીસે સાંત્વના આપીને મૃતદેહ સોંપ્યો હતો. પોલીસે પરિવારને પુરી ખાતરી આપી હતી. ત્યાર બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.