અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં અમદાવાદ મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમને બ્લેક બોક્સ મળી આવ્યું છે.હવે મોટો પ્રશ્ન એ છે કે શું આ બ્લેક બોક્સમાંથી શું હાથ લાગશે? ભારતમાં વિમાન દુર્ઘટનાની તપાસ માટે બ્લેક બોક્સ રીડરની જરૂર પડે છે પરંતુ આ સામાન્ય રીડર નથી. બ્લેક બોક્સને સમજવા માટે ખાસ સાધનો અને નિષ્ણાતોની જરૂર પડે છે. વિમાન દુર્ઘટનાની તપાસમાં બ્લેક બોક્સમાંથી ડેટા કાઢવા અને તેનું વિશ્લેષણ કરવા માટે ખાસ કમ્પ્યુટર અને સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, બ્લેક બોક્સમાંથી ડેટા મેળવવા માટે તેને અમેરિકા લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે.


બ્લેક બોક્સને વિમાનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે

મળતી માહિતી મુજબ,બોઇંગ બ્લેક બોક્સના ડેટાને રીડ કરવા અમેરિકા લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવું નક્કી કરવામાં આવી રહ્યું છે કે, ભારતીય એજન્સીઓના પ્રતિનિધિઓને પણ તેમાં સામેલ કરવામાં આવશે. તેમાં DGCA, એર ઇન્ડિયા, AAIBના સભ્યો શામેલ હોઈ શકે છે. બોઇંગની ટીમ આજે ભારત પહોંચી છે અને સ્થળનું નિરીક્ષણ પણ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લેક બોક્સ મોટાભાગે સ્પષ્ટ કરશે કે આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો અને તેની પાછળનું કારણ શું હતું. બ્લેક બોક્સને વિમાનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. સામાન્ય રીતે વિમાનમાં બે પ્રકારના બ્લેક બોક્સ હોય છે.પહેલું ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) છે જે વિમાનની ગતિ, ઊંચાઈ, દિશા, એન્જિનની માહિતી અને અન્ય મહત્વપૂર્ણ ડેટા રેકોર્ડ કરે છે.બીજું કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) છે જે કોકપીટમાં પાઇલટ્સ વચ્ચેની વાતચીત, રેડિયો ટ્રાન્સમિશન અને અન્ય અવાજો રેકોર્ડ કરે છે.

DGCAના કેટલાક અધિકારીઓ પણ ટીમ સાથે જઈ શકે

ભારતમાં વિમાન દુર્ઘટનાની તપાસ માટે બ્લેક બોક્સ રીડર સ્થાપિત કરવા માટે DGCAની એક ટીમ છે.આ ટીમમાં એન્જિનિયરો, વૈજ્ઞાનિકો અને તપાસકર્તાઓનો સમાવેશ થાય છે. જેમને બ્લેક બોક્સને રીડ કરવા અને ડેટાનું વિશ્લેષણ કરવા માટે તાલીમ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જો બ્લેક બોક્સને તપાસ માટે અમેરિકા લઈ જવામાં આવે છે તો DGCAના કેટલાક અધિકારીઓ પણ તેની સાથે જઈ શકે છે.જોકે બ્લેક બોક્સમાંથી ડેટા કાઢવાનું એક દિવસનું કામ નથી.આ એક લાંબી પ્રક્રિયા છે કારણ કે ડેટા વાંચ્યા પછી નક્કી થાય છે કે વિમાનમાં કઈ ખામીઓ હતી જેના કારણે આવો અકસ્માત થયો.એર ઇન્ડિયાના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને આ ઘટનાને મુશ્કેલ દિવસ ગણાવીને કહ્યું કે એરલાઇન અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવા માટે ખાસ ટીમો તૈનાત કરી રહી છે.તેમણે એમ પણ કહ્યું કે અકસ્માતની તપાસમાં સમય લાગશે.પરંતુ એર ઇન્ડિયા સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસમાં સહકાર આપશે.

  • Follow us on: