વિજય રૂપાણીના નિધન બાદ પત્ની અંજલિ રૂપાણી લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ પહોંચ્યા હતા અને અમદાવાદ એરપોર્ટથી તેઓ ગાંધીનગર તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે, તો દીકરો રૂષભ પણ અમેરિકાથી ભારત આવવા માટે નીકળી ગયો છે, ભાજપના નેતાઓ પણ ગાંધીનગર પહોંચી રહ્યાં છે, થોડીવારમાં પીએમ મોદી પણ અમદાવાદ એરપોર્ટ પહોંચશે.


કંઈ જ કરી ન શકાયું, ભાજપ માટે તો સૌથી મોટી ખોટ પડી: પાટીલ

સી.આર.પાટીલ મહેસાણા થઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાથી ભાવુક થયેલા પાટિલે કહ્યુ કે, આવી કોઈ દુર્ઘટના ગુજરાતમાં થાય તેવુ કોઈએ વિચાર્યુ પણ નહોતુ. શહેરની વચ્ચે હોવા છતાંયે કંઈ જ કરી શકાયુ નથી. કોઈને બચાવવાની તક મળી નથી. ખુબ મોટી ક્ષતિ છે. આ આપત્તિમાં તો અમારા નેતા વિજયભાઈ રૂપાણી પરીવારને મળવા જઈ રહ્યા હતા. ભાજપ પરિવારને મોટી ખુબ મોટી ખોટ આવી છે.

રૂપાણીએ માત્ર રાજકોટ જ નહી પરંતુ સૌરાષ્ટ્રમાં પાણી, દવા અને એર કનેક્ટીવીટીમાં મહત્વનું યોગદાન આપ્યું છે

રાજકોટ પશ્ચિમ બેઠક ઉપરથી ચૂંટાઈ મુખ્યમંત્રી બનેલા વિજયભાઈ રૂપાણીએ માત્ર રાજકોટ જ નહી પરંતુ સૌરાષ્ટ્રમાં પાણી, દવા અને એર કનેક્ટીવીટીમાં મહત્વનું યોગદાન આપ્યું છે. રૂપાણીના કાર્યકાળમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી ૧૨,૦૦૦ કરોડની સૌની યોજનાના સાકાર થઈ હતી. તેના કારણે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમમાં નર્મદા ડેમના પાણી ઠાલવવામાં આવ્યા હતા તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કર્યું હતું.

આ યોજનાથી સૌરાષ્ટ્રવાસીઓને કાયમી પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.

સૌરાષ્ટ્રના ઉદ્યોગ માટે મહત્વના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે રાજકોટમાં જમીન ફાળવણી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં ૧૪૦૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે સૌરાષ્ટ્રના ૧.૨૫ કરોડ લોકોને સસ્તી સારવાર મળે તે માટે રાજકોટના જામનગર રોડ ઉપર પરાપીપળીયામાં ૧૧૯૫ કરોડના ખર્ચે ૭૦૦ બેડની એમ્સ( ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ)નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


  • Follow us on: