ગુજરાત માટે આજનો દિવસ વધુ પીડાદાયક બન્યો છે. આજે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીને અંતિમ વિદાય આપવામાં આવશે. આજે સવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્વ સીએમ વિજયરૂપાણીના નશ્વરદેહને રાજકીય સન્માન સાથે તેમની પત્ની અંજિલ અને પુત્ર રુષભને સોંપવામાં આપ્યો. આ પ્રસંગે હોસ્પિટલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ત્યાં હાજર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષસંઘવી સહિત ભાજપના અગ્રણીઓએ આંસુભરી આંખે વિજયભાઈના નશ્વરદેહને નમન કર્યા.


આદિવાસી મહિલા થઈ ભાવુક

ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈની અણધારી વિદાયથી તેમનો પરિવાર શોકમગ્ન છે સાથે તેમની સાથેના તમામ પરિચિતોની પણ આંખો સુકાતી નથી. મૃદુભાષી વિજયરૂપાણી એક સંવેદનશીલ નેતા કહેવાતા હતા. અને હંમેશા જમીનથી જોડાયેલા વ્યક્તિ મનાતા હતા. સ્વર્ગીય વિજયરૂપાણની યાદ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બોનસાઈ ગાર્ડનમાં કામ કરતા આદિવાસી મહિલાના આસું પણ સુકાતા નથી. આદિવાસી મહિલા વિજયભાઈને યાદ કરી ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યા છે. મહિલાનું કહેવું છે કે વિજયભાઈ મારા મોટાભાઈ સમાન છે. વિજયભાઈ અને મારો રાખડીનો સંબંધ છે. સંદેશની સાથે ખાસ મુલાકાતમાં આદિવાસી મહિલાએ વિજય રૂપાણી સાથેના સંસ્મરણો તાજા કર્યા

વિજયભાઈના નિધનના સમાચારથી ખૂબ દુઃખ થયું

આ આદિવાસી મહિલાનું નામ શારદાબેન તડવી છે જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બોનસાઈ ગાર્ડનમાં કામ કરે છે. વિજયભાઈને યાદ કરતાં કહ્યું કે જયારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમને રાખડી બાંધવા ગઈ હતી. અને ત્યારબાદ પણ તેઓ વિજયભાઈ રૂપાણી અને અંજલિ બેનને અનેકવાર મળ્યા હતા. વિજયભાઈ જ્યારે પણ અહીંયા આવે તો મારી તેમની સાથે અચૂક મુલાકાત થતી હતી. વિજયભાઈના નિધનના સમાચાર સાંભળતા હું અને મારો પરિવાર ખૂબ દુઃખી થયા હતા. હજુ પણ અમને વિશ્વાસ નથી આવતો કે વિજયભાઈ આપણી વચ્ચે નથી. 

રાજકોટમાં કરાશે અંતિમ સંસ્કાર

જણાવી દઈએ કે ગઈકાલે DNA પરીક્ષણ મેચ થયા બાદ આજે વિજયરૂપાણીના નશ્વરદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો ત્યારે હાજર ભાજપ અગ્રણીઓથી લઈને હોસ્પિટલના કર્મચારીઓ સહિત સૌ કોઈ ભારે હૃદયે નેતાને શ્રદ્ધાંજલિ આપી. વિજયરૂપાણીના નશ્વરદેહને રાજકોટ તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો છે. આજે સાંજે રાજકોટમાં વિજયભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

  • Follow us on: