અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં 242 જેટલા લોકોના મોત થયા છે. પ્લેન એરપોર્ટ પરથી ટેક ઓફ થયા બાદ તરત જ ક્રેશ થયું હતું, આ દુર્ઘટનામાં ઘણી મોટી હસ્તીઓના પણ મોત થયા છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે, ત્યારે અમદાવાદના રાજપથ કલબના ડિરેક્ટર દિલીપ પટેલનું પણ પ્લેન ક્રેશમાં મોત થયું છે.
5 લોકો ગંભીર, 13 તબીબોને સામાન્ય ઈજા પહોંચી: મીનાક્ષી પરીખ
ત્યારે બીજે મેડિકલમાં પ્લેન ક્રેશ થતા તબીબોના પણ મોત થયા છે. બીજે મેડિકલ કોલેજની મેસમાં જે સમયે પ્લેન અથડાયું હતું, તે સમયે ડોક્ટરો ભોજન લઈ રહ્યા હતા અને આ દુર્ઘટનામાં 4 ડોક્ટરોના પણ મોત થયા છે. બીજે મેડિકલ કોલેજના ડીન મીનાક્ષી પરીખે નિવેદન આપતા કહ્યું કે આ દુર્ઘટનામાં 5 વિદ્યાર્થીઓ સિરિયસ છે, 13 તબીબોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. મેસમાં તબીબના 1 સંબંધીનું પણ મોત થયું છે. ત્યારે 3 લોકો મિસિંગ છે.
વિમાનમાં સવા લાખ લિટર ઈંધણ હતું: અમિત શાહ
વધુમાં કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું કે આ દુર્ઘટનાથી સમગ્ર દેશ શોકમાં છે. તમામ દેશવાસીઓ મૃતકના પરિવારજનો સાથે આ દુ:ખના સમયમાં સાથે છે. પ્લેન દુર્ઘટનાના સમાચાર 10 મિનિટમાં કેન્દ્ર સરકાર પાસે પહોંચ્યા હતા. દુર્ઘટના બાદ તમામ વિભાગો એક સાથે બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. આ પ્લેનમાં 230 મુસાફર, 12 ક્રૂ - મેમ્બર સવાર હતા. વિમાનમાં સવા લાખ લિટર ઈંધણ હતું. આગ, ગરમીના કારણે બચાવવાનો સમય ન મળ્યો. અમિત શાહે વધુમાં કહ્યું કે મોટા ભાગના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. પરિવારના DNA મેળવવાની કામગીરી ચાલુ છે. મૃતદેહની ઓળખ માટે DNA લેવાયા છે, 1000 જેટલા DNA ગુજરાતમાં જ થશે. રિવ્યુ બેઠકમાં બધી ચર્ચા કરવામાં આવી છે. એવિએશન વિભાગે તપાસ ચાલુ કરી દીધી છે.