ગુજરાતમાં શિક્ષણ હવે કારોબાર બનવા લાગ્યું છે. રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા જ્ઞાન સહાયકની ભરતીમાં ડિગ્રી કૌભાંડ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી. આ ડિગ્રી કૌભાંડની યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભરતીમાં 30 ટકા ડિગ્રી અન્ય રાજ્યની છે. ‘કેટલાય જ્ઞાન સહાયકો પાસે મિઝોરમ, નાગાલેન્ડની ડિગ્રી છે’સરકાર ડિગ્રી મુદ્દે યોગ્ય તપાસ કરે તેવી અમારી માગ છે.
જ્ઞાન સહાયકોને લઈને શાળામાંથી ઉઠી ફરીયાદ
અમારી પાસે ઘણી બધી શાળામાંથી ફરિયાદ આવી છે કે જ્ઞાન સહાયકોને કઈ આવડતું નથી તેવું શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું. વધુમાં કહ્યું કે હાલમાં જ્ઞાન સહાયકોની ભરતી થઈ તેમાં મોટો ગોટાળો થયો છે. જ્ઞાન સહાયકોની ભરતીમાં 30 ટકા ડિગ્રી અન્ય રાજ્યની છે. ગુજરાતના વિદ્યાર્થીએ અંહી કોલેજોનો અભ્યાસ કર્યો હોય તો છતાં કેમ મિઝોરમ કે નાગાલેન્ડ ની ડિગ્રી લાવે. બી. એડ.નો કોર્સ કરવા કોઈ મિઝોરમ કે નાગાલેન્ડ કેમ જાય તે બાબત વધુ આશ્ચર્યજનક છે. શું આ લોકોએ ત્યાંની ભાષામાં અભ્યાસ કર્યો છે. ગુજરાતના બાળકોને અભ્યાસ કરાવા માટે બહારની ભાષાની જરૂર નથી.













