અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક મોટી સફળતા મળી છે. વિવેકાનંદ નગર પોલીસે હાઇવે પર ટ્રક ચાલકોને રોકીને લૂંટ ચલાવતી એક અનોખી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગનો મુખ્ય આરોપી મહિલાનો વેશ ધારણ કરીને ટ્રક ચાલકોને નિશાન બનાવતો હતો. પોલીસ તપાસમાં આ ગેંગ દ્વારા આચરાયેલા 14 ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે તેમાંથી માત્ર એક જ ફરિયાદ નોંધાઈ હોવાથી પોલીસે અન્ય ભોગ બનેલા ડ્રાઈવરોને આગળ આવવા અપીલ કરી છે.
કેવી રીતે ઓપરેટ કરતી હતી આ ગેંગ?
પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓના નામ દિનેશ વાદી, મહેશ વાદી, અજય વાદી અને દેવાભાઈ નટ છે. આ તમામને પોલીસે દેવડી ગામમાંથી ઝડપી પડ્યા હતા. આ ગેંગ અમદાવાદ-વડોદરા હાઈવે પરથી પસાર થતી ટ્રકોના ડ્રાઈવરોને નિશાન બનાવતી હતી. આ ગેંગની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી હતી. મુખ્ય આરોપી દેવાભાઈ નટ મહિલાનો વેશ ધારણ કરીને ટ્રક ચાલકોને રોકતો હતો. ત્યારબાદ, તેમને કોઈ અવાવરું જગ્યા પર લઇ જતો જ્યાં તેની ગેંગના અન્ય ત્રણ સભ્યો હાજર રહેતા. આ ત્રણેય આરોપીઓ ટ્રક ચાલકને માર મારીને લૂંટી લેતા હતા. આ ગેંગની કરતૂતોનો પર્દાફાશ 29 મેના રોજ બનેલી એક લૂંટની ફરિયાદથી થયો. આ દિવસે એક ટ્રક ડ્રાઈવરને માર મારીને રૂપિયા 25,000 રોકડા સહિત કુલ 49,000 ની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગુનાની તપાસ કરતા વિવેકાનંદ નગર પોલીસ આરોપી ટોળકી સુધી પહોંચી હતી.
એક ફરિયાદથી ખૂલ્યા 14 ગુનાના રહસ્યો
ધટના સ્થળેથી પોલીસને કેટલાક કપડાં, મોબાઈલ કવર, એક લાકડી અને એક સિમકાર્ડ મળ્યા હતા. સિમકાર્ડની તપાસ કરતા તે અન્ય એક ડ્રાઈવરનું હોવાનું સામે આવ્યું, જેને પણ આ જ રીતે લૂંટી લેવામાં આવ્યો હતો. તે ડ્રાઈવરના મોબાઈલના IMEI નંબરની તપાસ કરતા લગભગ 1૫૦ જેટલા અન્ય મોબાઈલ નંબર મળ્યા. આ નંબરોની ટેકનિકલ તપાસ કરતા પોલીસ આરોપીઓ સુધી પહોંચી અને તેમની ધરપકડ કરી. આરોપીઓની પૂછપરછ અને તેમની પાસેથી મળેલા ત્રણ મોબાઈલ તથા લૂંટેલા મુદ્દામાલની તપાસ કરતા, તેમણે આવા 14 જેટલા ડ્રાઈવરોને લૂંટ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, બદનામીના ડરે મોટાભાગના ડ્રાઈવરોએ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી.
આરોપીઓનું બેરોજગાર અને ભટકતું જીવન
ઝડપાયેલા તમામ આરોપીઓ છૂટક મજૂરી કરતા હતા અને ગામડાઓમાં મદારીના ખેલ બતાવવા તેમજ વાજિંત્રા વગાડીને રખડતું-ભટકતું જીવન જીવતા હતા. જ્યારે તેમને પૈસાની જરૂર પડતી, ત્યારે તેઓ એકઠા થઈને ટ્રક ડ્રાઈવરોને લૂંટી લેતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આરોપીઓની વધુ તપાસ કરતા અન્ય ભોગ બનેલા ડ્રાઈવરો પણ સામે આવી શકે છે. આથી, પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.