અમદાવાદના લો ગાર્ડન વિસ્તાર નજીક આવેલી સમર્થ સ્કૂલમાં અભ્યાસ કરતી અને રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી બે વિદ્યાર્થીઓ આખરે મુંબઈથી હેમખેમ મળી આવી છે. આ ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે અને હવે બંને બાળકીઓને કસ્ટડીમાં લેવા માટે પોલીસ ટીમ મુંબઈ જવા રવાના થઇ છે. આ ઘટનાએ વાલીઓમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો હતો ત્યારે બાળકીઓ હેમખેમ મળી આવતા તેમના પરિવારોએ રાહત અનુભવી હતી.
સ્કૂલમાંથી ગુમ થયેલી વિદ્યાર્થિનીઓ મુંબઇથી મળી
મળતી જાણકારી અનુસાર, ગુમ થયેલી આ બંને વિદ્યાર્થીનીઓ સમર્થ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તેઓ ગુમ થયા બાદ તેમના પરિવારો દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ગુમ થવાનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માધ્યમો દ્વારા બાળકીઓનું પગેરું શોધવાના પ્રયાસો કર્યા હતા. પોલીસની સઘન તપાસ દરમિયાન આ બંને બાળકીઓ મુંબઈમાં હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ વિદ્યાર્થિનીઓની કસ્ટડી લેવા મુંબઇ રવાના
જોકે મહત્વનું છે કે, કયા સંજોગોમાં તેઓ અમદાવાદથી મુંબઈ પહોંચી અને શા માટે તેઓ ઘર છોડીને નીકળી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઇ નથી. પોલીસે આ મામલે વધુ વિગતો જાહેર કરી નથી પરંતુ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, ટૂંક સમયમાં જ પોલીસ ટીમ મુંબઈ પહોંચીને બંને બાળકીઓને અમદાવાદ પરત લાવશે. બાળકીઓ પરત આવ્યા બાદ પોલીસ તેમની પૂછપરછ કરશે અને તેઓ કયા કારણોસર ગુમ થઇ હતી તે અંગેની બીગતો મેળવાનો પ્રયાસ કરશે.