શોર્ટકટમાં પૈસા કમાઇ લેવા માટે લોકો હવે ગુનાખોરીના રવાડે ચડી રહ્યા છે અને આવા અનેક ઉદાહરણો રોજ બહાર આવે છે. મહિને માંડ 15 થી 20 હજાર રૂપિયા કમાનાર યુવકે રાતો રાત લાખોપતિ બનવા માટે હથિયારની હેરાફેરીનું કામ શરૂ કર્યું હતું, જો કે તે હથિયાર વેચવાના પહેલા જ પ્રયાસમાં પોલીસના હાથે પકડાઇ ગયો હતો. મહારાષ્ટ્રથી હથિયાર લાવી તે ગુજરાતમાં ગ્રાહકને પહોંચાડે તે પહેલા જ પકડાઈ જતા હવે તેને જેલમાં જવાનો વારો આવ્યો છે.
હથિયારોની હેરાફેરીના ગુનામાં હુસેન ઉર્ફે સુટર શેખને ઝડપી પાડ્યો
વટવા પોલીસે હથિયારોની હેરાફેરીના ગુનામાં હુસેન ઉર્ફે સુટર શેખને ઝડપી પાડ્યો છે. આ આરોપીની હથિયારોની હેરાફેરીનાં ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના વટવા વિસ્તારમાંથી હથિયાર સાથે આ યુવક ઝડપાયો છે. વટવા પોલીસે બાતમીના આધારે એસપી રિંગ રોડ પર રોપડા પાસેથી આ યુવકની ધરપકડ કરી છે.
દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ તેમજ બે મેગજીન મળી
પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ તેમજ બે મેગજીન મળી આવી છે. જેથી તેની સામે આર્મસ એક્ટનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રથી હથિયાર લઇને ગુજરાત ડિલીવરી કરવા નિકળ્યો
આરોપીની પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે તે આરોપી મહારાષ્ટ્રથી ગુજરાતમાં હથિયારની ડિલિવરી કરવા માટે નીકળ્યો હતો. પકડાયેલો આરોપી આઠ નવ મહિના પહેલા ઔરંગાબાદ ખાતે મજૂરી કામે પરિવાર સાથે ગયો હતો. જ્યાં તે ભંગારની દુકાનમાં ડ્રાઇવિંગનું કામ કરતો હતો, જે દરમિયાન તેની નોકરીનાં સ્થળ પાસે સીટ કવરની દુકાનમાં નોકરી કરતા શાહરૂખ સાથે મુલાકાત થઈ હતી. જે બાદ બન્ને વચ્ચે વાતચીત થતી હતી.
હથિયાર જસદણના મોહમદ ઉર્ફે દાદૂ કથેરી સૈયદને આપવાનું હતું
શાહરૂખ જાણતો હતો કે હુસેન શેખને પૈસાની જરૂર હતી, જેથી તેણે હુસેનને પિસ્તોલ અને કારતુસ ગુજરાતમાં જસદણ ખાતે મોહમદ ઉર્ફે દાદૂ કથેરી સૈયદ નામનાં શખ્સને ડિલિવરી કરવા કહ્યું હતું.
શાહરુખે 10 હજાર રૂપિયા આપી હથિયાર આપી ડિલિવરી કરવા મોકલ્યો
હુસેન શેખને પૈસાની જરૂર હતી અને એક ટ્રીપ માટે 10 હજાર રૂપિયા મળવાના હોવાથી તેણે હથિયાર જસદણ પહોંચાડવાની હા પાડતા તેને શાહરુખે એડવાન્સ 10 હજાર રૂપિયા અને હથિયાર આપી ડિલિવરી કરવા મોકલ્યો હતો, અને બાકીના 7 હજાર રૂપિયા હથિયારને ગ્રાહક પાસે પહોંચાડી પરત ફરે ત્યારે તેને મળવાનાં હતા. જો કે તે ગ્રાહકને હથિયાર આપે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે આ મામલે મહારાષ્ટ્રનાં અને જસદણનાં આરોપીનાં પકડાયા બાદ હથિયારોની સોદાબાજીના નેટવર્ક અંગે વધુ ખુલાસા થઈ શકે તેમ છે.