અગાઉ લેવાયેલી પરીક્ષામાં પેપર લીકની ગંભીર ઘટનાઓ અને વ્યાપક વિવાદ બાદ, હવે રાષ્ટ્રીય સ્તરની મેડિકલ પ્રવેશ પરીક્ષા 'NEET' ફરીથી યોજવા માટે અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આગામી 21 જૂનના રોજ આ મહત્વપૂર્ણ પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેને લઈને આ વખતે પ્રશાસન દ્વારા સુરક્ષાના અભૂતપૂર્વ અને અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે.


પોલીસ બંદોબસ્તમાં વ્યાપક વધારો

અમદાવાદના કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે આ વખતે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે પેપર લીકની ઘટના ફરી ન બને તે માટે પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક બન્યું છે. પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્તમાં વ્યાપક વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, પેપરના ડિસ્પેચ સેન્ટરથી લઈને પરીક્ષા કેન્દ્ર સુધીના તમામ રૂટ પર કડક દેખરેખ રાખવામાં આવશે.

ટ્રાન્સપોર્ટ દરમિયાન એક વિશેષ સુરક્ષા ટીમ તૈનાત

સૌથી મહત્વની બાબત એ છે કે, ગોપનીયતા જાળવી રાખવા માટે પેપર ટ્રાન્સપોર્ટ દરમિયાન એક વિશેષ સુરક્ષા ટીમ તૈનાત કરવામાં આવશે. પેપર લોડિંગથી લઈને કેન્દ્ર પર અનબોક્સિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ ચુસ્ત પોલીસ પહેરા હેઠળ અને સીસીટીવી કેમેરાની નજરે રાખવામાં આવશે.

એજન્સી અને સ્થાનિક પોલીસ તંત્ર વચ્ચે કો-ઓર્ડિનેશન

ઉમેદવારો સુધી પેપર સંપૂર્ણપણે સુરક્ષિત અને પારદર્શક રીતે પહોંચે તે માટેની તમામ આધુનિક વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. અગાઉની ભૂલોમાંથી સબક લઈને આ વખતે પરીક્ષા લેનારી એજન્સી અને સ્થાનિક પોલીસ તંત્ર વચ્ચે કો-ઓર્ડિનેશન રાખવામાં આવશે. પ્રશાસનનો દાવો છે કે વિદ્યાર્થીઓ કોઈપણ ભય વગર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાની પરીક્ષા આપી શકશે.


આ પણ વાંચો---     Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી


  • Follow us on: