દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET ના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન છેતરપિંડી આચરતી એક મોટી આંતરરાજ્ય ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. NEET પરીક્ષાના રિફંડ મેળવી આપવાના બહાને દેશભરના નિર્દોષ પરીક્ષાર્થીઓ સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર મુખ્ય સૂત્રધારની સાયબર ક્રાઈમની ટીમે બિહારથી ધરપકડ કરી લીધી છે. પકડાયેલો આરોપી અત્યંત શાતિર મગજનો છે અને તે ઓનલાઈન સિસ્ટમની ખામીઓનો લાભ ઉઠાવી વિદ્યાર્થીઓની મહેનતના પૈસા પડાવી લેતો હતો.


આવી હતી મોડ્સ ઓપરેન્ડી

સાયબર ક્રાઈમની તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી ખૂબ જ ચાલાકીપૂર્વક NEET ના ઓફિશિયલ પોર્ટલ પર જઈને પરીક્ષાર્થીઓના ઓરિજિનલ ફોર્મમાં છેડછાડ કરતો હતો અથવા તો ખોટા રજીસ્ટ્રેશન આચરતો હતો. રિફંડની પ્રક્રિયા દરમિયાન તે વાસ્તવિક વિદ્યાર્થીઓના બેંક ખાતાની વિગતો હટાવીને, તેની જગ્યાએ પોતાના અથવા તો તેના નજીકના પરિચિતોના બેંક એકાઉન્ટ નંબર લખી દેતો હતો. આ રીતે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે રિફંડ વિદ્યાર્થીઓને મળવાનું હતું, તે સીધું આરોપી અને તેના સાગરીતોના ખાતામાં જમા થઈ જતું હતું.

આખા સાયબર રેકેટનો ભાંડો ફૂટ્યો

પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ આરોપીએ અત્યાર સુધીમાં 80થી વધુ પરીક્ષાર્થીઓના રિફંડના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા છે. વિદ્યાર્થીઓએ જ્યારે રિફંડ ન મળવાની ફરિયાદો કરી ત્યારે આ આખા સાયબર રેકેટનો ભાંડો ફૂટ્યો હતો.

પોલીસે બિહારમાં દરોડા પાડી તેને દબોચી લીધો

 અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને બિહારમાં દરોડા પાડી તેને દબોચી લીધો છે. હાલ પોલીસ દ્વારા આરોપીના તમામ બેંક ખાતા સીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ નેટવર્કમાં બિહાર કે અન્ય રાજ્યોના બીજા કેટલા લોકો સામેલ છે તેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો----    Sandesh Explainer : ભક્તોની આસ્થા અને કાયદા વચ્ચે કાનૂની જંગ, શું હવે ભગવાન પર પણ લાગશે કૉપીરાઇટ? જાણો ટ્રેડમાર્કનું અસલી સત્ય

  • Follow us on: