છેલ્લા 36 કલાકમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કુલ ત્રણ અંગદાન થયા છે. જેમાં પ્રથમ 11 કલાકમાં બે અંગદાન થયા બાદ બીજા 24 કલાકના સમયગાળામાં ત્રીજું અંગદાન થતાં ૩૬ કલાકના સમયગાળામાં કુલ ત્રણ અંગદાન સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયા છે.


25 વર્ષીય જય વિપુલભાઇ પટેલને અકસ્માત થતા બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે એક હૃદયસ્પર્શી ઘટના બની હતી. બે બહેનો ના એક ના એક ભાઇ એવા 25 વર્ષીય જય વિપુલભાઇ પટેલને અકસ્માત થતા બ્રેઈન ડેડ જાહેર કરાયા. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ સમયે તેના બહેન મીનલબેને અદભૂત સાહસ સાથે ભાઈના અંગદાનનો નિર્ણય કર્યો. તેમના આ નિર્ણયથી જય ની બે કિડની,લીવર અને સ્વાદુપિંડ એમ ચાર અંગો દ્વારા ચાર દર્દીઓને નવી જિંદગી મળશે.

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે જયને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો

સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી એ વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, ગામ વહેલાલ દસકોઈ તાલુકાના 25 વર્ષીય જય વિપુલભાઈ પટેલ રણુંજા દર્શન કરવા ગયા હતા ત્યાંથી જોધપુર તરફ જતા અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ જોધપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ નિકોલ, અમદાવાદ ખાતે હાર્મની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા . જ્યાં સારવાર દરમિયાન ડોક્ટર પરેશ ગોહિલને જય બ્રેઇન ડેડ હોય તેવું જણાતા તેમણે પરીવારજનો ને વાત કરી હતી. જય ના પરીવારજનો પ્રાથમિક દ્રષ્ટી એ તમામ બાબત સમજતા તેમણે સિવિલ હોસ્પિટલ અમદાવાદનો સંપર્ક કર્યો હતો અને તારીખ 29 ની રાત્રે 12 વાગ્યે જયને સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં તમામ જરુરી ટેસ્ટ બાદ તારીખ 30.8.25 ના રોજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે જયને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.

પરિવારના સભ્યોએ લીધો અંગદાનનો નિર્ણય

સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડોક્ટર મોહીત ચંપાવત દ્વારા જયના બહેન, કાકા તેમજ પિતાને જય ની બ્રેઇન ડેડ પરીસ્થિતિ તથા અંગદાન વિશે વિગતે સમજણ આપી હતી. જેના પરીણામે બ્રેઇન ડેડ એટલે શુ અને અંગદાન કેમ કરવુ જોઇએ તેના વિશેની બધી જ શંકાઓ તેમજ સવાલો બાબતે સંપુર્ણ સંતોષ થતા તેઓ ની અંગદાન કરવાની ઇચ્છા આખરે અંગદાન કરવાના નિર્ણયમાં પરીણમી હતી. જયના બે બહેનો હીનલબેન તેમજ મીનલબેને આંખોમાં આંસુ સાથે એક નિસ્વાર્થ નિર્ણય લઇ ભાઇના અંગોનુ દાન કરવાનો અદભુત નિર્ણય લીધો હતો.

કિડની અને લીવરનું કર્યુ અંગદાન

સાથે પિતા વિપુલ ભાઇ તેમજ કાકા કૌશીકભાઇને પણ સમજાવતા તેઓએ પણ પોતાના વ્હાલસોયા દીકરા જય ના અંગોનું દાન કરી બીજા કોઈને નવજીવન આપી તેમાં પોતાના પુત્રને જીવંત રાખવા નો નિર્ણય કર્યો હતો. જયના અંગદાનથી બે કિડની, એક લીવર, એક સ્વાદુપિંડનું તેમજ બે આંખો નુ દાન મળ્યું હતું. આ અંગદાન થી મળેલ બે કિડની, એક લીવર અને એક સ્વાદુપિંડ ને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલમાં જરૂરિયાત મંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તથા મળેલ આંખોના દાનને એમ એન્ડ જે આઇ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ હતુ તેમ ડોક્ટર જોશીએ જણાવ્યું હતું.

674 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે

અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 384- કિડની, 185- લીવર, 68- હ્રદય, 34- ફેફસા , 17- સ્વાદુપિંડ , બે નાના આંતરડા, 23 સ્કીન અને 144 આંખોનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 696 અંગોનું દાન મળેલ છે. જેના થકી 674 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

  • Follow us on: