સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતર ખાતે યોજાતો પ્રસિદ્ધ મેળો રંગેચંગે શરૂ થયો છે. ઝાલાવાડની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક ગણાતા આ મેળામાં આ વર્ષે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ જોવા મળી છે. મેળાની શોભા વધારતી ઝાલાવાડની રંગબેરંગી છત્રીઓએ માત્ર દર્શકોનું ધ્યાન ખેંચ્યું નથી, પરંતુ અંગદાન જેવા મહાન સામાજિક કાર્યના સંદેશને પણ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોને અંગદાનનું મૂલ્ય સમજાવવું છે
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેળામાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવા ખાસ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. આ સ્ટોલ પર વિવિધ સ્લોગનો દ્વારા અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ખાસ કરીને, ઝાલાવાડની પરંપરાગત રંગબેરંગી છત્રીઓ પર આભલા અને ભરતકામની કળાથી અંગદાન થઈ શકે તેવા મહત્વના અંગોના નામ ચિતરવામાં આવ્યા છે, જે મેળામાં આવેલા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. તરણેતરનો મેળો પોતાના પારંપરિક પહેરવેશ, લોકનૃત્યો અને હસ્તકલા માટે દેશભરમાં જાણીતો છે. આ વખતે આ મેળો અંગદાનના મહત્વને ઉજાગર કરવાનું માધ્યમ બન્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોને અંગદાનનું મૂલ્ય સમજાવવું અને આ માનવતાવાદી કાર્યમાં સહભાગી થવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
મેળામાં પધારેલા હજારો લોકોએ આ અનોખી છત્રીઓને નિહાળી
મેળામાં પધારેલા હજારો લોકોએ આ અનોખી છત્રીઓને નિહાળી અને અંગદાન વિશે માહિતી મેળવી. આ પહેલ દ્વારા સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ વધવાની સાથે અનેક જીવન બચાવવામાં મદદ મળશે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આવા સામાજિક સંદેશાઓ ફેલાવવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. સંસ્કૃતિ અને સેવાનો સુમેળ દર્શાવતો તરણેતરનો મેળો ઝાલાવાડની આ છત્રીઓ દ્વારા નવો સંદેશ આપી રહ્યો છે, જે આવનારા સમયમાં અનેક જીવનોને નવું જીવનદાન પ્રદાન કરશે.