આજે મોબાઈલ પર પબજી અને ઓનલાઇન ગેમ્સનો ક્રેઝ છે ત્યારે, સુરેન્દ્રનગરના તરણેતરમાં ગ્રામીણ ઓલિમ્પિક્સની વિવિધ સ્પર્ધાઓમાં પરંપરાગત રમતોની રસાકસી જામી હતી. શેરીઓમાં જોવા મળતી સાતોડી (નારગોલઝ સાતોલિયું) રમતને અહીં સ્પર્ધાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ રમતની સ્પર્ધામાં ૨૦૦થી વધુ ખેલાડીઓએ જોશભેર ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટ્યા હતા.


ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી તેમજ તરણેતર ગ્રામ પંચાયતના ઉપક્રમે ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાતોડીની સ્પર્ધામાં ઓપન કેટેગરીમાં ૧૦ ખેલાડીઓની એક એવી ૨૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આજે સવારે 9 વાગ્યા સુધી ઓપન એન્ટ્રી રાખીને રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

વિજેતાને પુરસ્કાર આપવામાં આવ્યો

સ્પર્ધામાં એક મેચમાં ૧૨ પોઇન્ટ મેળવનારી ટીમ વિજેતા બને છે. શેરીમાં રમાતી આ રમતને નિયમબદ્ધ અને પોઇન્ટ સાથે રમાતી જોઈને લોકો થંભી ગયા હતા. આજની સ્પર્ધામાં પ્રથમ ક્રમે ટીકાભાઈ બી. પનારા (વગડીયા)ની વિજેતા ટીમને રૂ. ૩૦૦૦, બીજા ક્રમની વિજેતા રાજુભાઈ આર. ઝરવરિયાની ટીમને રૂ. ૨૦૦૦ અને ત્રીજા ક્રમે વિજેતા વિજય બી. ઉભડિયાની ટીમને રૂ. ૧૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 

  • Follow us on: