જિલ્લા કલેક્ટર સુજિત કુમારે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઘડાયેલા કાયદાઓ અને નિયમોનું પાલન કરીને હકારાત્મક રીતે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ આપણા સૌની ફરજ છે. કલેકટરે વધુમાં ઉમેર્યું કે સંકલન ફોરમમાં આવેલા પ્રશ્નોને અગત્યતા આપવી જોઇએ. સાથે જ, તેમણે સંકલનના અધિકારીઓને પ્રશ્નોના સત્વરે અને નિયમાનુસાર હકારાત્મક નિરાકરણ માટે તાકીદ પણ કરી હતી.
શહેરી વિસ્તારના ધારાસભ્યોએ ગેરકાયદેસર દબાણને લઈ અવાજ ઉઠાવ્યો
આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો દ્વારા સિંચાઈ, વરસાદી પાણી, સાફસફાઇ, રસ્તાઓ, ગેરકાયદે દબાણો દૂર કરવા સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેનો હકારત્મક નિવારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ વિસ્તારોમાં સફાઈ, ચાલુ કામો પૂર્ણ કરવા સહિતના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆતો કરાઇ હતી. જ્યારે શહેરી વિસ્તારના ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવા, હાઉસિંગ બોર્ડને લગતા વિવિધ પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા, મતદાર સહાયતા કેન્દ્ર, નવી પોલીસ ચોકી બનાવવા તથા કાયદો અને વ્યવસ્થાનો ચુસ્ત અમલ કરાવવા તથા અશાંતધારાના અમલ કરાવવાના મુદ્દે રજૂઆતો કરી હતી. આ ઉપરાંત, ગટર અને સેનિટેશન સહિતના પ્રશ્નો ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં વિવિધ પ્રશ્નો સંદર્ભે નીતિ વિષયક નિર્ણયના ઉકેલ બાબતે ઉચ્ચસ્તરે દરખાસ્ત મોકલી નિકાલ લાવવા પણ સૂચન કરાયું હતું.













