અમદાવાદમાં એક મહિલાએ તેના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી શહેરના સીજી રોડ પર સ્થિત એક દરજીને બ્લાઉઝ સીવવા માટે આપ્યો હતો. મહિલાએ એડવાન્સમાં 4395 રૂપિયા ચૂકવીને દરજીને બ્લાઉસનો ઓર્ડર આપ્યો હતો. ત્યાર બાદ દરજી દ્વારા આપવામાં આવેલા સમય પ્રમાણે આ મહિલા બ્લાઉઝ લેવા માટે ગઈ તો દરજીએ બ્લાઉઝ તૈયાર કર્યો નહોતો. જેથી મહિલાએ તેને થોડો સમય આપીને બ્લાઉઝ સીવવા માટે કહ્યું હતું. તે છતાંય દરજીએ બ્લાઉઝ સીવીને આપ્યો નહોતો. જેથી આ મહિલાએ તેની સામે કાયદાકીય લડાઈ શરૂ કરી હતી.
દરજીએ મહિલાને સમયસર બ્લાઉઝ સીવીને ના આપ્યો
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી પૂનમબેન નામની જાગૃત મહિલાએ તેના કુટુંબમાં લગ્ન હોવાથી ટ્રેડિશ્નલ સાડી માટેનો બ્લાઉઝ સીવવા માટે ડિઝાઈન પસંદ કરી કાપડ સાથે બ્લાઉઝની કિંમત 4395 રૂપિયા નક્કી કરીને સીજી રોડ પર સ્થિત સોનીઝ ધી ડિઝાઈનર નામની દુકાનના માલિક હરેશભાઈને 8 નવેમ્બર 2024ના રોજ આપ્યા હતાં. ફરિયાદી મહિલાના જણાવ્યા પ્રમાણે તેઓ 14 ડિસેમ્બર 2024ના રોજ તેઓ બ્લાઉઝ લેવા માટે ગયા તો દરજીએ બ્લાઉઝ સીવ્યો નહોતો.તેમણે ફરીવાર 24 ડિસેમ્બર 2024 સુધીમાં બ્લાઉસ સીવી આપવા માટે જણાવ્યું હતું. તે છતાંય દરજીએ બ્લાઉઝ સીવીને આપ્યો નહોતો.
ફરિયાદી મહિલાએ દરજીને નોટીસ આપી હતી
ત્યાર બાદ ફરિયાદી મહિલાએ દરજીને નોટીસ આપી હતી. જેનો દરજીએ જવાબ પણ આપ્યો નહોતો. જેથી ફરિયાદી મહિલાએ ગ્રાહક તકરાર નિવારણ ખાતે દરજી સામે દાદ માગી હતી અને દરજીને ચૂકવેલા 4395 તેમજ માનસિક ત્રાસનું વળતર સહિત કાનૂની ખર્ચની માગ કરી હતી. ફરિયાદી મહિલાએ ગ્રાહક તકરાર નિવારણ ખાતે પુરાવા રૂપે દરજીને ચૂકવેલ રકમની પહોંચ, પસંદ કરેલ બ્લાઉઝની ડિઝાઇન, લગ્નની કંકોત્રી વગેરે રજૂ કર્યા હતા. ફરિયાદીએ તમામ પ્રકારના પૂરાવા રજૂ કરીને દરજીને નોટીસ આપી હતી. આ નોટીસ બાદ પણ દરજી કોર્ટમાં હાજર નહીં રહેતા એક તરફી કેસ ચાલ્યો અને દરજીને બ્લાઉઝ માટે ચૂકવેલી એડવાન્સ રકમ 4395 સાત ટકા વ્યાજ સહિત, માનસિક ત્રાસના પાંચ હજાર અને કાનૂની ખર્ચના બે હજાર મળી કૂલ 11395 ચૂકવી આપવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
અમદાવાદની મહિલાએ દરજી સામે કરેલો કેસ એક પ્રેરણાદાયી કેસ છે
આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતીના પ્રમુખ મુકેશ પરીખે કહ્યું હતું કે, આજે ગ્રાહકો વધુ જાગૃત થઈ રહ્યાં છે અને પોતાની સામે થયેલા અન્યાય સામે ફરિયાદ કરવા આગળ આવી રહ્યાં છે. અમદાવાદની મહિલાએ દરજી સામે કરેલો કેસ એક પ્રેરણાદાયી કેસ છે. આજે મહિલાઓ જાગૃત થઈ રહી છે. મહિલા સશક્તિકરણ કન્ઝ્યુમર એક્ટના માધ્યમથી પણ થઈ શકે છે એવો એક સંદેશ સમાજમાં ગયો છે. ગ્રાહક સુરક્ષા તકરાર સમિતિ આ જાગૃત મહિલાનું સન્માન કરશે.