અમદાવાદમાં સ્કૂલવાનને અકસ્માત થયાની ઘટના સામે આવી છે. શહેરમાં છારોડી વિસ્તારમાં આવેલ નિરમા શાળાની સ્કૂલવાનને અકસ્માત નડ્યો. વિદ્યાર્થીઓને લઈ શાળાએ જતી સ્કૂલ વાન અચાનક પલટી ખાતા વિદ્યાર્થીઓ નીચે પટકાયા. અકસ્માતની જાણ થતાં જ શાળા સંચાલકો અને વાલીઓ બનાવ સ્થળ પર પહોંચ્યા હતા. દરમિયાન તમામ વિદ્યાર્થીઓને સ્થાનિકોના પ્રયાસથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો.


બાળકો સ્વસ્થ : પ્રિન્સીપાલનું નિવેદન

શહેરમાં આજે છારોડી વિસ્તારમાં સ્કૂલ વાનને અકસ્માત નડયો. આ સ્કૂલ વાન નિરમા શાળાની છે. આ ઘટના સામે આવ્યા બાદ તરત શાળાના વહીવટીતંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. આ મામલે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં પ્રિન્સીપાલ નુપુર દેસાઈએ જણાવ્યું કે આજે વહેલી સવારે શાળાએ આવતી વાનને અકસ્માત થયો. તેમાં 10 બાળકો હતા અને કોઈપણ બાળકને આ બનાવમાં કોઈપણ પ્રકારની ઇજા થઈ નથી.

પેરેન્ટસ સાથે પણ વાતચીત કરી

અમે અકસ્માત મામલે વિદ્યાર્થીઓના પેરેન્ટસ સાથે પણ વાતચીત કરી છે. અમે તેમને સ્કૂલ વાનના બદલે ટ્રાન્સપોર્ટ માટે અન્ય વિકલ્પ પસંદ કરવાનું સૂચન કર્યું છે. સ્કૂલ વાન એ પેરેન્ટ્સનો પર્સનલ ઓપ્શન છે. જો તેમને સ્કૂલની બસમાં ટ્રાન્સપોર્ટ જોઈએ તો મળી જશે. અમે અકસ્માતને લઈને સ્કૂલવાન ચાલક સામે ફરીયાદ પણ નોંધાવી છે. અને વાલીઓએ પણ સ્કૂલવાન ચાલક સાથે વાત કરી છે. અમે બાળકોને મુશ્કેલી ના થાય એટલે તેમને આ બાબતે વધુ પૂછપરછ કરી નથી.

વરસાદી સિઝનમાં રસ્તાો પર ખાડાઓનું રાજ

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ રાજ્યભરના શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં પણ ગુજરાત બોર્ડ સહિત કેન્દ્રીય બોર્ડની શાળાઓ શરૂ થતા વહેલી સવારથી જ માર્ગો પર વાહનોની અવરજવર વધી છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટો છવાયો વરસાદ જોવા મળે છે. વરસાદી વાતાવરણમાં માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી અને રસ્તાઓ પર ખાડા રાજ જોવા મળ્યું. રસ્તાના ખાડાના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી છે. તંત્ર દ્વારા આ મામલે સત્વરે કામગીરી કરવામાં આવે તો અકસ્માતના ગંભીર જોખમથી બચી શકીએ છીએ.

  • Follow us on: