સાયબર ક્રાઈમની દુનિયામાં એક નવી અને ચિંતાજનક મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં ઠગાઈ કરતી એક ગેંગ OTP વિના જ લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેતી હતી. આ ગેંગનો પર્દાફાશ અમદાવાદની પાલડી પોલીસે કર્યો છે અને આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરીને અથવા કોઈ અન્ય ટેકનિકલ માધ્યમથી લોકોના બેંક એકાઉન્ટની વિગતો મેળવી લેતી હતી અને ત્યારબાદ OTPની જરૂરિયાત વગર જ પૈસા ટ્રાન્સફર કરી દેતી હતી.


પાલડી પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે લોકો પાસેથી છેતરેલા પૈસા ત્રણ જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 15 મોબાઈલ ફોન, રોકડ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયેલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ગેંગની ધરપકડ બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓના જુદા જુદા બેંક એકાઉન્ટમાં કુલ 518 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. જેમાં 29 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

518 ફરિયાદમાં 29 કરોડથી વધુની છેતરપિંડી પકડાઇ

આટલી મોટી રકમની છેતરપિંડીથી સ્પષ્ટ થાય છે કે આ ગેંગ એક મોટા પાયા પર કાર્યરત હતી. પોલીસે આ કૌભાંડમાં સામેલ અન્ય વ્યક્તિઓની પણ શોધખોળ શરૂ કરી છે. આ ઘટના સાયબર સુરક્ષા માટે એક મોટો પડકાર છે અને લોકોને તેમના બેંક એકાઉન્ટની વિગતો અંગે વધુ સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. સાયબર ક્રાઈમ નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારની ઠગાઈથી બચવા માટે બેંક ખાતામાં મજબૂત પાસવર્ડ રાખવા અને શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળવું જરૂરી છે.


  • Follow us on: