અમદાવાદના સાબરમતી નદી પરના સૌથી વ્યસ્ત એવા સુભાષબ્રિજને લઈને એક અત્યંત મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. કન્સલ્ટન્ટ એજન્સી અને ટેક્નિકલ ટીમ દ્વારા સુભાષબ્રિજ અંગે સાદર કરવામાં આવેલા લેટેસ્ટ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બ્રિજના પિલ્લર સમય જતાં ટેક્નિકલ રીતે નબળા પડી ગયા છે. સુરક્ષાના આ ગંભીર મુદ્દાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ જૂના બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાનો મોટો નિર્ણય લેવાઈ શકે તેમ છે.
પોતાનો કડક અભિપ્રાય આપતા જણાવ્યું
મળતી માહિતી મુજબ, કન્સલ્ટન્ટ એજન્સીએ AMCને પોતાનો કડક અભિપ્રાય આપતા જણાવ્યું છે કે, લાંબા ગાળાના આયોજન અને જનતાની સલામતીના ભાગરૂપે આ નબળા પડી ગયેલા જૂના પિલ્લર તોડીને તેની જગ્યાએ નવો અને વધુ પહોળો બ્રિજ બનાવવો જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. સુરક્ષા એજન્સીના આ રિપોર્ટ બાદ મનપા તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.
સુપર સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, હાલ પૂરતી બ્રિજની ઉપરની છત એટલે કે સુપર સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યું છે. બ્રિજની ક્ષતિઓ અને તેની આંતરિક નબળાઈઓ તપાસવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં પિલ્લરનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાનું અને તે નબળા પડ્યા હોવાનું સાબિત થયું છે.
બ્રિજ આખો તોડીને નવો બનાવવાનો નિર્ણય
સુભાષબ્રિજ એ આશ્રમ રોડ, વાડજ અને શાહીબાગ તથા આરટીઓ સર્કલને જોડતો મુખ્ય માર્ગ છે. જો આ બ્રિજ આખો તોડીને નવો બનાવવાનો નિર્ણય સત્તાવાર રીતે લાગુ થશે, તો આગામી સમયમાં આ રૂટ પર મોટા પાયે ટ્રાફિક ડાયવર્ઝન આપવું પડશે. જો કે, લાખો વાહનચાલકોની રોજિંદી સલામતી માટે પેચવર્ક કરવાને બદલે નવો આધુનિક બ્રિજ બનાવવાનો એજન્સીનો આ અભિપ્રાય આવકારદાયક માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?