અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર પહેલાં જ બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. આ પરિસ્થિતિમાં દિવાળી દરમિયાન થતા ફટાકડાના પ્રદૂષણ અને ધુમાડાથી સ્વાસ્થ્ય બગડી ન જાય તે માટે તબીબોએ ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. શહેરમાં બદલાતા વાતાવરણને કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. હોસ્પિટલના આંકડા મુજબ કુલ ઓપીડી દૈનિક 1055 નોંધાઈ છે. વાયરલ ઇન્ફેક્શનના 219 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે.
બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો
સોલા સિવિલમાં રોગચાળાના કેસમાં વધારો છે. ડેન્ગ્યુના 33 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. મેલેરિયાના 16 દર્દીઓ દાખલ છે. ચિકનગુનિયાના 7 કેસ સારવાર હેઠળ છે. ખાસ કરીને બાળકોમાં કેસો વધ્યા છે, જેમાં તેમની ઓપીડી દૈનિક 100ને પાર કરી ગઈ છે અને વાયરલ ઇન્ફેક્શનના કારણે 20થી વધુ બાળકોને એડમિટ કરવાની ફરજ પડી છે.













