અમદાવાદ મહાનગર પાલિકાની બજેટ બેઠક દરમિયાન એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. શહેરના વિકાસ અને નાણાકીય આયોજન જેવી મહત્વપૂર્ણ ચર્ચા વચ્ચે કેટલાક કોર્પોરેટર્સ બેઠકમાં ઊંઘતા ઝડપાયા હતા. બજેટ પર ચર્ચા કરવા માટે ભેગા થયેલા પ્રતિનિધિઓમાંથી કેટલાક સભ્યો આરામની મુદ્રામાં જોવા મળતા આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે.
બજેટની ચર્ચા કરવા આવેલા પ્રતિનિધિઓએ કર્યો આરામ!
માહિતી મુજબ બેઠક લાંબા સમય સુધી ચાલી હતી અને ભોજન વિરામ બાદ સભ્યો ફરીથી હોલમાં પરત ફર્યા હતા. ભોજન કર્યા બાદ કેટલાક કોર્પોરેટર્સને નિંદર આવતી જોવા મળી હતી. કેમેરામાં પણ કેટલાક પ્રતિનિધિઓ ઊંઘતા ઝડપાયા હતા, જેના કારણે અન્ય સભ્યોમાં હળવી મજાક અને ચર્ચા સર્જાઈ હતી. વિશેષ વાત એ રહી કે બેઠક દરમિયાન કોર્પોરેટર્સને ઊંઘ ન આવે તે માટે ચોકલેટો આપવામાં આવી હતી. માનવામાં આવે છે કે ચોકલેટમાં રહેલા શુગર અને કેફીનના કારણે તાજગી અનુભવાય છે. છતાં પણ, ચોકલેટ આપ્યા પછી પણ કેટલાક સભ્યો ઊંઘતા જોવા મળ્યા હતા. કેટલાક સભ્યો તો ઊંઘ દૂર કરવા માટે ચોકલેટ ચાવતાં પણ નજરે પડ્યા હતા.













