અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. પાછલા 15 દિવસમાં ફૂડ વિભાગની ટીમોએ આક્રમક ચેકિંગ હાથ ધરીને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટો અને ખાણી-પીણીની લારીઓ સહિત કુલ 1,027 ખાદ્ય એકમોમાં આકસ્મિક તપાસ કરી છે. આ મોટી કાર્યવાહીને પગલે ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


409 નમૂના લેવાયા, 27 અપ્રમાણિત જાહેર

આ સઘન ઝુંબેશ દરમિયાન અધિકારીઓ દ્વારા શંકાસ્પદ ખાદ્યપદાર્થોના કુલ 409 નમૂનાઓ લઈને તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 27 નમૂનાઓ અપ્રમાણિત જાહેર થયા છે. આ ઉપરાંત, લેવામાં આવેલા સેમ્પલ પૈકી એક નમૂનો અત્યંત હાનિકારક સાબિત થયો છે, જેને પગલે તંત્ર દ્વારા જવાબદાર એકમ સામે કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

3 ફૂડ એકમો સીલ, 2 હજાર કિલોથી વધુ જથ્થો નષ્ટ

ચેકિંગ દરમિયાન અત્યંત ગંદકી અને અનહાઇજેનિક સ્થિતિ જોવા મળતા ફૂડ વિભાગે સખત વલણ અપનાવ્યું છે. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 3 ફૂડ એકમોને સ્થળ પર જ સીલ કરી દેવાયા છે. ખામીઓ બદલ કુલ 307 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. માનવ સ્વાસ્થ્ય માટે જોખમી એવા 2,089 કિલો ઘન કચરો અને 665 લીટર પ્રવાહી બિનખાદ્ય જથ્થો જપ્ત કરીને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.

દંડનીય કાર્યવાહી

અમદાવાદ મનપાના નિયમોનો ભંગ કરવા બદલ અને અસ્વચ્છતા રાખવા બદલ ફૂડ વિભાગે વેપારીઓ પાસેથી કુલ રૂપિયા 5.13 લાખથી વધુનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે.

તપાસ કરવામાં આવેલા એકમો યાદી

AMCની કડક ચેતવણી

એએમસી ફૂડ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ ચિમેકી આપી છે કે, અમદાવાદ શહેરમાં લાયસન્સ કે રજિસ્ટ્રેશન વગર ધમધમતા એકમો તેમજ આરોગ્યના નિયમોનું પાલન ન કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સહેજ પણ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે.


આ પણ વાંચો - Ahmedabad News: ગરમીને કારણે ખેડૂતોના પાક સુકાવાની ભીતિ, પાણી અને વીજળી માટે મુખ્યમંત્રીને રજૂઆત


  • Follow us on: