અમદાવાદ શહેરમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પહેલા જ પ્રદૂષિત પાણી અને મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળામાં વધારો થવાને કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં આવી રહેલા પલટા વચ્ચે શહેરમાં તાવ, ઝાડા-ઊલટી અને કમળાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જેને પગલે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે.


ઝાડા-ઊલટી અને ટાઈફોઈડના સેંકડો કેસોથી શહેરીજનો પ્રભાવિત

આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, ચાલુ જૂન મહિનામાં જ અમદાવાદ શહેરમાં ઝાડા-ઊલટીના અધધ 579 કેસો નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત, દૂષિત ખોરાક અને પાણીના કારણે થતા ટાઈફોઈડના પણ 151 કેસો સામે આવ્યા છે, જ્યારે લિવરને પ્રભાવિત કરતા કમળાના 47 કેસ નોંધાયા છે. રોગચાળાના આ આંકડા દર્શાવે છે કે, અમદાવાદ શહેરમાં શુદ્ધ પીવાના પાણી અને સ્વચ્છતાને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે.

તંત્રના ચેકિંગમાં પાણીના 59 સેમ્પલ ફેલ, 41માં ક્લોરિન નીલ મળ્યું

રોગચાળો વકરવા પાછળ મુખ્યત્વે પ્રદૂષિત પાણી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જૂન મહિના દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 5,794 પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ મટીરિયલ ટેસ્ટિંગમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં કુલ 59 નમૂનાઓ ટેસ્ટમાં ફેલ સાબિત થયા છે. એટલું જ નહીં, 41 જેટલા પાણીના નમૂનામાં ક્લોરિનની માત્રા બિલકુલ 'નીલ' જોવા મળી છે, જે દર્શાવે છે કે, પાણીનું યોગ્ય પ્યુરિફિકેશન થઈ રહ્યું નથી.

મેલેરિયા અટકાવવા AMC દ્વારા ફોગિંગ ડ્રાઇવ અને સઘન કામગીરી શરૂ

વધતા જતા રોગચાળા અને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. મચ્છરજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોને અટકાવવા માટે શહેરના તમામ ઝોનમાં સઘન ફોગિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ પ્રદૂષિત પાણીની ફરિયાદોવાળા વિસ્તારોમાં સુપર ક્લોરિનેશન કરવાની અને પાણીની પાઇપલાઇનોનું સમારકામ કરવાની કામગીરી પણ વેગીલી બનાવવામાં આવી છે.


આ પણ વાંચો - Ahmedabad News: AMCએ 8 હોટેલ અને નવકાર ઇન્સ્ટિટ્યૂટ સીલ કરી, 54થી વધુ એકમોને નોટિસ


  • Follow us on: