અમદાવાદમાં અકસ્માત ઘટાડવા માટે બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી રહી છે.શહેરમાં નવા બ્લેક સ્પોટ પણ સામે આવ્યા છે. જેમાં ઇસ્કોનથી પકવાન જંક્શન વચ્ચેનો માર્ગ પણ સામેલ કરવામાં આવ્યો છે.તંત્ર દ્વારા કેટલાક સ્થળોએ રિફ્લેક્ટિવ મિરર અને અન્ય સુરક્ષા સાધનો મુકાયા છે પરંતુ અનેક જગ્યાએ તે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.પરિણામે અકસ્માતનો ભય યથાવત્ છે.અમદાવાદમાં વધતા અકસ્માતોને પગલે ટ્રાફિક પોલીસ, AMC અને માર્ગ સુરક્ષા એજન્સીઓ દ્વારા અનેક બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી છે.
નવા હાઇ-રિસ્ક જંક્શન ચિહ્નિત કરાયા
શહેરમાં ઇસ્કોન ક્રોસ રોડ,પકવાન ક્રોસ રોડ, નરોલ સર્કલ, CTM ચાર રસ્તા, સોલા ભાગવત, નરોડા પાટિયા, પીરાણા ચાર રસ્તા સહિતના જંક્શન અકસ્માત પ્રવણ સ્થળ તરીકે સામે આવ્યા છે. તાજેતરના રોડ સેફ્ટી ઓડિટમાં પણ અનેક નવા હાઇ-રિસ્ક જંક્શન ચિહ્નિત કરાયા છે. ઇસ્કોન જંકશનમાં જે પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટી અને મનપા વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. અહીં રોડ પર ખાસ ડિઝાઈન કરવામાં આવી હતી અને રિફ્લેક્ટિવ મીરર પણ લગાવાયો હતો. આજે તેની દુર્દશા સામે આવી છે.













