અમદાવાદમાં આજે વધુ એક ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન થયું. મકરબા ખાતે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગૃહમંત્રી અમિતશાહ દ્વારા વૃક્ષારોપણ કરી ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરવામા આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય મેયર સહિતના સભ્યો હાજર રહ્યા હતા. મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત મકરબા ખાતે ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. આ ઓક્સિજન પાર્કમાં ધારાસભ્ય અમિત ઠાકર સહિત એએમસીના પદાધિકારીઓ પણ વૃક્ષારોપણ કર્યું.
40 લાખ વૃક્ષોનું રોપણ
મિશન ફોર મિલિયન ટ્રી (FMT) અંતર્ગત 40 લાખ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. મકરબા તળાવ પાસે AMCના ખુલ્લા પ્લોટમાં આજે ગૃહમંત્રી અમિતશાહની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યકમ યોજવામાં આવ્યો. મકરબા ખાતેના આ ઓક્સિજન પાર્કમાં મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત amc દ્વારા વિના મૂલ્યે લોકોને રોપા આપવામાં આવી રહ્યા છે.
પ્રહ્લાદનગરમાં યોગ કાર્યક્રમમાં ગૃહમંત્રી
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં યોગ દિવસ કાર્યક્રમમાં પણ હાજર રહેશે. 2 1જૂનના રોજ દુનિયાભરમાં ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી થઈ રહી છે. આજે અમદાવાદ મુલાકાતે આવેલ ગૃહમંત્રી વૃક્ષારોપણના કાર્યક્રમ ઉપરાંત પ્રહ્લાદનગર ગાર્ડનમાં યોગને અનુલક્ષીને યોજાનાર કાર્યક્રમમાં પણ હાજરી આપશે. પ્રહલાદનગર ગાર્ડનમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્યની થીમ પર યોગ કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપરાંત 500 લોકો જોડાશે.
કુલ 319 ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી કુલ 319 ઓક્સિજન પાર્ક/ બનાવવામાં આવ્યા છે. જેમાં મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 84, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 59, ઉત્તર ઝોનમાં 36, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 68, દક્ષિણ ઝોનમાં 29 અને પશ્ચિમ ઝોનમાં 43 ઓક્સિજન પાર્ક અને શહેરી વન તૈયાર કરવામાં આવ્યા છે.