અમદાવાદમાં એસ પી રીંગરોડ પર સ્થિત ત્રાગડ અંડરપાસ અને વટવા રેલવે ઓવરબ્રિજ પર ઔડા દ્વારા આગામી સમયમાં રીપેરિંગની કામગીરી હાથ ધરાશે. જેના કારણે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ રૂટ પર કેટલાક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે. આ બંને રૂટ પર આગામી 40 દિવસ સુધી તબક્કાવાર વાહનવ્યવહાર બંધ કરવામાં આવશે.
ફેઝ-1માં આ રૂટ ટ્રાફિક માટે 20 દિવસ સુધી બંધ રખાશે
અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ કામગીરી ચાલુ કરવામાં આવી છે. ક્યાંક મેટ્રો અને બુલેટ ટ્રેન અને ક્યાંક ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે. ત્યારે શહેરના એસપી રીંગ રોડ પર સ્થિત ત્રાગડ અંડરબ્રિજના બોક્સને રીપેર કરવાની કામગીરી ઔડા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે શહેર ટ્રાફિક પોલીસે કેટલાક રૂટ પર ડાયવર્ઝન આપ્યું છે. વાહન ચાલકો માટે ફેઝ-1માં ઝુંડાલ બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ સુધીનો માર્ગ ટ્રાફિક માટે 20 દિવસ સુધી બંધ રખાશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વધુ એક ડાયવર્ઝન આપવામાં આવશે.













