અમદાવાદના પાલડી વિસ્તારમા આવેલા જૈન દેરાસરમાં થયેલી કરોડોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મંદિરમાં જ કામ કરતા પૂજારી સહિત 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ચોરીમાં અંદાજિત 1.64 કરોડની ચાંદીની વસ્તુઓ ચોરાઈ હતી. પાલડી જૈન દેરાસરમાં થયેલી આ ચોરીના બનાવ બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે દેરાસરમાં જ કામ કરતા પૂજારીએ સમગ્ર પ્લાન ઘડ્યો હતો અને મંદિરમાં સફાઈનું કામ કરતા કર્મચારીઓ સાથે મળી ચોરીની આખી યોજના બનાવી હતી. આરોપીઓ ચોરાયેલા ચાંદીના દાગીના અને આભૂષણો વેચી દેતા હતા, ત્યારબાદ રૂપિયાથી નવું ચાંદી ખરીદી લેતા હતા, જેથી કોઈને શંકા ન જાય.
પૂજારી મેહુલ રાઠોડ છેલ્લા 15 વર્ષથી કરતો હતો કામ
પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈનપુટના આધારે તપાસ આગળ ધપાવી હતી. પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ પાલડી પોલીસ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચ સંયુક્ત રીતે કરી રહ્યા હતા, જેમાં પાલડી પોલીસે અગાઉ એક મહિલા આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ ક્રાઈમબ્રાન્ચે પૂજારી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી. માસ્ટર માઈન્ડ પૂજારી મેહુલ રાઠોડ છેલ્લા 15 વર્ષથી દેરાસરમાં પૂજારી તરીકે કામ કરતો હતો. દેરાસરમાં જ્યારે ચોરી કરવા માટે આરોપીઓ આવતા તે પહેલા મેહુલ રાઠોડ દેરાસરના CCTV ફૂટેજ બંધ કરી દેતો હતો અને ત્યારબાદ ચોરી કરી લીધા બાદ CCTV ચાલુ કરી દેતો, જેથી ચોરીની ઘટના CCTVમાં કેદ ન થાય.
વિશ્વાસનો ભંગ કરનારા આરોપીઓને પોલીસે ઝડપી લીધા
જો કે CCTV બંધ કરતી વખતે પુજારી નજરે પડતા દેરાસરના ટ્રસ્ટીઓને પૂજારી પર શંકા ગઈ હતી, આ બાબતે પૂજારીને પૂછ્યા બાદ પૂજારી ફરાર થઈ ગયો હતો. જેને ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ આખા બનાવ બાદ દેરાસરમાં સુરક્ષા વ્યવસ્થા અને વિશ્વાસ બંનેને ઝટકો લાગ્યો છે. દેરાસરમાં જ વિશ્વાસનો ભંગ કરનારા આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે, જો કે હજુ સુધી પાલડી પોલીસ તેમજ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા નથી મળી, જેને લઈ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.