અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ હવેથી અમદાવાદ શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં. સુરક્ષાના કારણોસર શહેરના 201 જેટલાં સંવેદનશીલ સ્થળો પર ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય શહેરના મહત્વપૂર્ણ સરકારી અને ખાનગી સ્થળોની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે.
આ પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડી શકશે નહીં
આ પ્રતિબંધિત વિસ્તારોમાં એરપોર્ટ, આર્મી કેન્ટોનમેન્ટ, સેન્ટ્રલ જેલ, VIP/VVIPના રહેઠાણો, મહત્વપૂર્ણ પાવર સ્ટેશનો, મેટ્રો રેલવે, ઔદ્યોગિક એકમો અને મહત્વપૂર્ણ સરકારી કચેરીઓનો સમાવેશ થાય છે. પોલીસ કમિશનરે જણાવ્યું છે કે રાષ્ટ્ર વિરોધી તત્વો, આતંકવાદીઓ કે તોડફોડ કરનારા લોકો રિમોટ-કંટ્રોલ્ડ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ અથવા પેરાગ્લાઇડર્સ જેવા સંસાધનોનો ઉપયોગ કરીને શહેરમાં કોઈ હુમલો કરી શકે છે અથવા નુકસાન પહોંચાડી શકે છે.
આદેશનો ભંગ થતા કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી
આ સંભવિત જોખમોને ટાળવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ જાહેરનામું 18/08/2025 ના રોજ 00:00 વાગ્યાથી અમલમાં આવશે અને 16/10/2025ના રોજ 24:00 વાગ્યા સુધી તે લાગુ રહેશે. જો કોઈ વ્યક્તિ આ આદેશનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પગલું શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.