પ્લેન હાઈજેકનો લેટર મેસેજ કરનાર બિરજુ સલ્લા ફરી એક વખત પોલીસના સકંજામાં આવ્યો છે. મુંબઈમાં 12.77 કરોડની ઠગાઈ કરીને કૌભાંડ આચરવાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી બિરજુ સલ્લાની ધરપકડ કરીને મુંબઈ પોલીસને કસ્ટડી સોંપી છે. ત્યારે કોણ છે આ બિરજુ જોઈએ આ અહેવાલમાં.
આરોપી મુંબઈમાં કરોડોની છેતરપિંડી કરી અમદાવાદમાં મોજશોખ કરતો
ફરી એક વખ ક્રાઈમ બ્રાન્ચની ગીરફતમાં આરોપી બિરજુ ઉર્ફે અમર સોની સલ્લા આવ્યો છે. મહારાષ્ટ્રના છેતરપિંડી કેસમાં આરોપી બિરજુ સલ્લા વોન્ટેડ હતો. આરોપી બિરજુ વસ્ત્રાપુરની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો, જેની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળતા જ હોટલના રૂમમાંથી તેની અટકાયત કરવામાં આવી છે. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે 35(1)J મુજબ કાર્યવાહી કરીને આરોપી બિરજુ સલ્લાને મહારાષ્ટ્ર પોલીસને સોંપ્યો છે. મહત્વનું છે કે મુંબઈમાં કરોડોની છેતરપિંડી કરી અમદાવાદમાં મોજશોખ કરતો હોવાનું સામે આવ્યું છે.
12.77 કરોડના દાગીના મેળવીને પૈસા આપ્યા ન હતા
આરોપી બિરજુ સલ્લા વિરુદ્ધ મહારાષ્ટ્ર મુંબઈ એલ.ટી માર્ગ પોલીસ સ્ટેશનમાં જવેલર્સના માલિક શૈલેષ જૈને 10 જૂનના રોજ ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2024માં બિરજુને સોનાના એન્ટિક દાગીના અને હીરાના દાગીના મળી કુલ 32.915 કિલો સોનાના દાગીના કે જેની કિંમત 12.77 કરોડના દાગીના મેળવીને પૈસા આપ્યા ન હતા. જે કેસની તપાસ મહારાષ્ટ્ર EOW કરી રહી છે પણ આરોપી બિરજુ સલ્લા આ કેસમાં વોન્ટેડ હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને અમદાવાદના વસ્ત્રાપુરની હયાત હોટલમાંથી પકડીને મુંબઈ પોલીસને સોંપ્યો છે.
NIA કોર્ટે બિરજુને આજીવન કેદની સજા કરી હતી
નોંધનીય છે કે આરોપી બિરજુ સલ્લા ઓક્ટોબર 2017માં અમદાવાદ એરપોર્ટ પર મુંબઈથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર પ્રાયોરિટી લેન્ડિંગ કરાયું હતું. ફ્લાઈટના ટોઈલેટમાં ટીસ્યુ પેપરમાંથી મળેલા એક લેટરમાં ફ્લાઈટને POK (પાકિસ્તાન હસ્તકના કાશ્મીર) તરફ વાળી લેવી નહીંતર દિલ્હી એરપોર્ટ પર કાર્ગોમાં મુકેલો બોમ્બ બ્લાસ્ટ થઈ જશે જેવી ધમકી લખી હતી. મુંબઈથી ઉડાન ભર્યાના અડધા જ કલાકમાં આ પત્ર મળતા જ દોડધામ મચી ગઈ હતી. જે કેસમાં NIA કોર્ટે બિરજુને આજીવન કેદની સજા કરી હતી. પરંતુ હાઈકોર્ટે નિર્દોષ છોડ્યો હતો. ત્યારે આરોપી બિરજુ સલ્લા 6 વર્ષ સુધી જેલમાં સજા કાપી તે સમયે જેલમાંથી એક મોબાઈલ મળી આવ્યો હતો, જે કેસમાં રાણીપ પોલીસમાં ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.