અમદાવાદ શહેરના ચાંદખેડા વોર્ડમાં સ્થાનિક કોર્પોરેટરના અનોખા બુદ્ધિ પ્રદર્શનને કારણે વિવાદ સર્જાયો છે. ચાંદખેડાના IOC રોડ પર કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેશરી દ્વારા પોતાના બજેટમાંથી સીનીયર સિટીઝન પાર્કનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. પરંતુ આશ્ચર્યજનક રીતે જ્યાં બોર્ડ લગાવવામાં આવ્યું છે ત્યાં કોઈ પાર્ક અસ્તિત્વમાં જ નથી. જે સ્થળે આ બોર્ડ લગાવવામાં આવ્યું છે તે ખુલ્લી જગ્યા છે જ્યાં હાલમાં ગ્રીન વેસ્ટ અને કચરો નજરે પડી રહ્યો છે. આ જોઇને સ્થાનિક રહીશોમાં આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.


કોર્પોરેટરની સ્પષ્ટતા

સ્થાનિકો કહી રહ્યા છે કે, પહેલા સિનિયર સિટીઝન પાર્ક તો બનાવો બાદમાં બોર્ડ મારજો. આ અંગે જયારે કોર્પોરેટર રાજશ્રી કેશરીનો સંપર્ક અક્રવામાં આવ્યો ત્યારે તેમણે પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, અહીં સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. બોર્ડ વહેલું લગાવવા અંગે તેમણે જણાવ્યું હતું કે, હાલમાં બોર્ડનું બજેટ મંજૂર થઇ ગયું એટલે બોર્ડ લગાવી દીધું છે.

સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ

કોર્પોરેટરની આ સ્પષ્ટતા બાદ પણ સ્થાનિકોમાં મિશ્ર પરીભાવો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો બજેટની મંજૂરી બાદ બોર્ડ લગાવવાની પ્રક્રિયાને યોગ્ય ઠેરવી રહ્યા છે, જયારે અન્ય લોકોનું માનવું છે કે, જ્યાં સુધી સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી બોર્ડ લગાવવું એ યોગ્ય નથી અને તે માત્ર દેખાડો જ છે.


  • Follow us on: