અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાથીજણ પંથકમાંથી એક હૃદયધબકાવી દેનારી પરંતુ અંતે રાહત આપનારી ઘટના સામે આવી છે. હાથીજણ વિસ્તારમાં આવેલી વડાપ્રધાન આવાસ યોજનાના એક મકાનમાં દોઢ વર્ષની એક માસૂમ બાળકી પોતાના ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન રમતા-રમતા અચાનક દરવાજાની પાછળ લાગેલી સ્ટોપર બંધ થઈ ગઈ હતી. દરવાજો અંદરથી લોક થઈ જવાના કારણે માસૂમ બાળકી રૂમની અંદર જ પુરાઈ ગઈ હતી અને ફસાઈ ગઈ હતી.
પરિવારના જીવ અધ્ધર થયા, ફાયર બ્રિગેડને કરાઈ જાણ
બાળકી અંદર લોક થઈ ગઈ હોવાની અને દરવાજો બહારથી ખૂલી શકે તેમ ન હોવાની જાણ થતાં જ પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. દોઢ વર્ષની નાની બાળકી અંદર એકલી હોવાથી અને ગભરાઈને રડવા લાગતાં આસપાસના પડોશીઓ પણ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આખરે મામલાની ગંભીરતાને સમજીને સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક અમદાવાદ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી.













