અમદાવાદનો રિવરફ્રન્ટ જે લોકો માટે હરવા-ફરવાનું અને શાંતિ પળ વિતાવવાનું ઉત્તમ સ્થળ ગણાય છે, તે અત્યારે એક ચિંતાજનક ઘટનાને કારણે ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર બે અલગ-અલગ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં કેટલાક યુવાનો રિવરફ્રન્ટ ગાર્ડન નજીકના જાહેર રોડ પર અત્યંત જોખમી રીતે વાહનો દોડાવતા અને સ્ટંટ કરતા નજરે પડે છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ચાર વાહનો સાથે જીવના જોખમે સ્ટંટબાજી
વાયરલ થયેલા બંને વીડિયોમાં જોઈ શકાય છે કે આશરે ચાર જેટલા વાહનો પર સવાર યુવાનો ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. રિવરફ્રન્ટ ગાર્ડન પાસેના વ્યસ્ત માર્ગ પર આ યુવાનોએ અન્ય વાહનચાલકોની ચિંતા કર્યા વિના જીવલેણ સ્ટંટ કર્યા હતા. માત્ર સોશિયલ મીડિયા પર લાઈક્સ અને રીલ્સની પોપ્યુલારિટી મેળવવા માટે કરવામાં આવેલા આ જોખમી કરતૂતોના કારણે રસ્તા પરથી પસાર થતા અન્ય નિર્દોષ નાગરિકોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.













