આર્થિક તંગી અને રૂપિયાની જરૂરિયાત એક યુવાનને ગુનાના રવાડે કેવી રીતે ચડાવી શકે છે તેનું એક ચોકાવનારું ઉદાહરણ અમદાવાદમાં સામે આવ્યું છે. ડિપ્લોમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર એક યુવકે મોબાઈલ ચોરી કરવા માટે સ્વામિનારાયણ મંદિરને ટાર્ગેટ બનાવ્યો હતો. જોકે, તેની આ હરકતો CCTV કેમેરામાં કેદ થઇ જતાં પોલીસે તેને ઝડપી પડ્યો છે.
મણિનગરમાંથી બે મોબાઈલ ચોરી
ઘટના અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરની છે. અહીંથી બે મોબાઈલ ફોનની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે CCTV ફૂટેજની તપાસ કરતા એક યુવક શંકાસ્પદ રીતે દેખાયો. પોલીસ પણ તે યુવકને જોઇને ચોંકી ઉઠી હતી કારણે કે, તેનો દેખાવ કોઈ સામાન્ય ચોર જેવો નહોતો. તે યુવક રાત્રે 9 વાગ્યાની આસપાસ મંદિરમાં પ્રવેશ્યો હતો અને સવારે 5:15 વાગ્યા સુધી ત્યાં જ રોકાયો હતો. અ દરમિયાન તેણે બે મોબાઈલ ફોનની ચોરી કરી હતી. પોલોસે ઊંડાણપૂર્વક તપાસ કરીને આખરે આરોપીને ભરૂચથી ઝડપી પડ્યો. આરોપીનું નામ પાર્થ વાઘેલા છે. પૂછપરછ સામે આવ્યું કે, તેણે ડિપ્લોમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને તે રાજપત્રીત GIDC માં નોકરી કરતો હતો. હાલમાં તે તેના કાકા સાથે ભરૂચમાં રહે છે.
સ્વામિનારાયણ મંદિરને કેમ બનાવ્યું નિશાન?
પાર્થ વાઘેલાએ પોલીસને જણાવ્યું કે, તે આર્થિક તંગીથી પીડાઈ રહ્યો હતો અને રૂપિયાની જરૂરિયાતને પહોંચી વળવા માટે ચોરીના માર્ગે વળ્યો હતો. તેને લાગ્યું કે, સ્વામિનારાયણ મંદિરમાં ચોરી કરવાથી તેને મોટી માત્રામાં કિંમતી વસ્તુઓ મળશે. તેણે પહેલા કાલુપુરના સ્વામિનારાયણ મંદિરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં નિષ્ફળતા મળતા તેણે મણિનગર મંદિરને નિશાન બનાવ્યું. તે સામાન્ય દર્શનાથી બનીને મંદિરમાં દાખલ થયો અને ભંડારા રૂમમાંથી કિંમતી વસ્તુઓની શોધમાં હતો.