સમગ્ર રાજ્યમાં આયોજિત ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત ઉજવણી કરાઇ હતી. મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કેશવપુર શાળા નંબર-1માં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અવંતિકા સિંહે કેશવપુર પ્રાથમિક શાળા નંબર-1ની આંગણવાડીમાં 16 બાળકોને, બાલવાટિકામાં 34 જ્યારે ધોરણ-1માં 46 બાળકોને શાળા પ્રવેશ અપાવ્યો હતો. કુલ 96 જેટલાં બાળકોએ શિક્ષણ જગતમાં પ્રવેશ કર્યો છે. આ વર્ષે 28 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને કેશવપુર સરકારી શાળામાં પ્રવેશ લીધો છે.


લોકોમાં આવી જાગૃતિ

આ પ્રસંગે અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. તે સમયે શાળા પ્રવેશ કરેલા બાળકોમાંથી હાલમાં કોઈ શિક્ષક છે તો કોઈ એન્જિનિયર અને કોઈ મોટા અધિકારીઓ છે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દ્વારા લોકોમાં જાગૃતિ આવે છે અને સમયાંતરે બાળકોનું શાળામાં ભણવાનું પ્રમાણ વધ્યું છે અને દીકરીઓનાં પરિણામોમાં સુધારો થયો છે. શાળાના પ્રાંગણમાં વૃક્ષો અને લીલોતરી જોઈને અવંતિકા સિંહે આનંદ વ્યક્ત કર્યો હતો. શહેરની વચ્ચે હોવા છતાં આટલી સુંદર લીલોતરી ધરાવતી શાળા જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. અવંતિકા સિંહે વધુમાં જણાવ્યુ હતું કે, આ વર્ષે 28 બાળકોએ ખાનગી શાળાઓ છોડીને આ સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. ખાનગી શાળાઓમાંથી આપણી સરકારી શાળાઓમાં પ્રવેશ લેનારાની સંખ્યા ઘણી મોટી છે. ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લેવાનો ટ્રેન્ડ આપણી સરકારી શાળાઓની ગુણવત્તા દર્શાવે છે. અમદાવાદમાં આ વર્ષે બે હજારથી વધુ બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં આવેલા આ મૂલ્યવર્ધન બદલ તેમણે શાસનાધિકારી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીની યોજનાઓ માટે તત્પરતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, રક્ષા શક્તિ યોજના, જ્ઞાન શક્તિ યોજના, મુખ્યમંત્રીશ્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના વગેરે ચાલી રહી છે. આ યોજનાઓના પરિણામે બાળકોને મળતા પોષણ અને શિક્ષણની ગુણવત્તા વધી છે. તેઓએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજનાઓના અમલ માટે તત્પરતા દર્શાવી હતી. બજેટનો સમય વીતી ગયો હોવા છતાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત રૂ. 680 કરોડની ગ્રાન્ટ ફાળવીને યોજનાને ત્વરિત અમલમાં મૂકવાનું તેમણે સૂચન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047 અને વિકસિત ગુજરાતના સ્વપ્નને આ બાળકો જ સાકાર કરશે. બાળકોમાં કરવામાં આવતું નાણાં અને સમયનું રોકાણ તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે.

વાલીઓનો ખાસ આભાર

શ્રીમતી સિંહે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા વાલીઓનો પણ આભાર માન્યો હતો. તથા શાળા પ્રવેશોત્સવનો સુંદર કાર્યક્રમ યોજવા બદલ બાળકો અને શાળા પરિવારને અને આંગણવાડી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. શ્રીમતી અવંતિકા સિંહ દ્વારા શાળા પ્રાંગણમાં સિંદૂર વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું અને એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. આજના બાળકો દેશના ભવિષ્યનું નિર્માણ કરશે તેથી તેમના વિકાસ માટે વાલીઓ પૂરતો સહયોગ આપે એવો અનુરોધ શ્રીમતી અવંતિકા સિંહ દ્વારા એસ.એમ.સી.ની બેઠકમાં કરાયો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરીને આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સગર્ભા માતાઓને માતૃશક્તિના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવ્યું હતું. બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરીને તેમને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું સંચાલન

શાળા પ્રવેશોત્સવના આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષયો પર વક્તવ્ય રજૂ કરાયાં હતાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. માર્ગ અકસ્માત એ વૈશ્વિક ચિંતાનો વિષય છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો દ્વારા માર્ગ અકસ્માત થતા અટકાવવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવના આ કાર્યકમમાં શાસનાધિકારી એલ. ડી. દેસાઈ, નાયબ શાસનાધિકારી ડૉ. પરિમલભાઈ પટેલ, રેવન્યુ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રદીપભાઈ દવે, મ્યુનિસિપલ કાઉન્સિલર મુકેશભાઈ મિસ્ત્રી, દીપલબહેન પટેલ અને રશ્મિબહેન ભટ્ટ, કેશવપુર પ્રાથમિક શાળા નંબર ૧ના આચાર્ય તૃપ્તિબહેન પટેલ, એસ.એમ.સીના સભ્યો, વાલીગણ સહિત શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકરો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

  • Follow us on: