વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેઓ ગાંધીનગર રાજભવનથી હાંસલપુર રવાના થશે. સવારે 9.50 કલાકે હાંસલપુર જવા રવાના થશે. બહુચરાજીના હાંસલપુરમાં સુઝુકીનાં બેટરી પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. જે ઓટો મોબાઈલ હબમાં ગુજરાતનું સૌથી મોટું પગલું માનવામાં આવે છે.PM મોદી પ્રથમ ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરશે.PM મોદી 'Maruti e Vitara'ને લોન્ચ કરશે.ઇલેક્ટ્રિક વ્હીકલ 100 દેશોમાં એક્સપોર્ટ પણ થશે.લીથીયમ બેટરી પ્લાન્ટનું પણ PMના હસ્તે લોકાર્પણ થશે. 12:45 વાગ્યે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.


કુલ રૂપિયા 5477 કરોડના વિકાસ કામોની ભેટ આપી

વડાપ્રધાન મોદી ગઈકાલે સાંજે અમદાવાદ પહોંચ્યા હતાં તેમણે એરપોર્ટથી નિકોલ સભા સ્થળ સુધી રોડ શો યોજ્યો હતો. પીએમ મોદીએ સભાને સંબોધતા દેશની જનતા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા દ્રઢતાપૂર્વક જણાવ્યું છે કે, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે. આવનારા સમયમાં દેશનો પ્રત્યેક નાગરિક ‘વોકલ ફોર લોકલ’નો વાહક બનશે, દરેક નાગરિક સ્વદેશીના મંત્રને જીવી જાણશે. ૨૦૪૭માં જ્યારે ભારત આઝાદીના ૧૦૦ વર્ષ ઊજવતું હશે ત્યારે ભારત અવશ્ય વિકસિત રાષ્ટ્ર હશે જ.તેમણે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને કુલ રૂપિયા ૫૪૭૭ કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી.

અમદાવાદને રૂ.3125 કરોડના વિકાસકામોની ભેટ મળી

આ વિકાસ કામો પૈકી અમદાવાદને રૂ.3125 કરોડના વિકાસકામોની ભેટ મળી હતી. તેમાં UGVCLના ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા રૂ.608 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, રૂ.133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપીરના ટેકરાના સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસનું લોકાર્પણ, ચાંદખેડા અને ગોતા ખાતે 66kV સબસ્ટેશન તેમજ વિરમગામ ખુડદ રોડના લોકાર્પણનો સમાવેશ થાય છે.

મહેસાણાને કુલ રૂ. 1796 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી

આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકામાં સ્ટ્રોમ વૉટર ડ્રેનેજ, પશ્ચિમ અમદાવાદમાં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત, સરદાર પટેલ રિંગરોડને સિક્સ લેન બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું હતું.ગાંધીનગર શહેરના રૂ. 555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. મહેસાણાને કુલ રૂ. 1796 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. તેમાં 1404 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા તેમજ બે ટ્રેનનું ફ્લૅગ-ઑફ કર્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં યુજીવીસીએલના 221 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું, તેમજ માર્ગ-મકાન વિભાગના રૂ. 171 કરોડના ખર્ચે વિવિધ માર્ગોના ખાતમુહૂર્ત કર્યા હતા.


  • Follow us on: