અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સિંગરવા પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. સિંગરવા વિસ્તારમાં આવેલી 'અધ્યાય રેસિડેન્સી'માં રહેતી 22 વર્ષીય યુવતી શીતલ દાસે અગમ્ય કારણોસર બિલ્ડિંગના સાતમા માળેથી નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. સાતમા માળેથી કૂદવાના કારણે યુવતીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ આખી આત્મહત્યાની ઘટના ફ્લેટના કેમ્પસમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.
તાંત્રિક પ્રેમી પરણિત નીકળતાં યુવતી તણાવમાં હતી
આ ચકચારી આપઘાતના પગલે પરિવારજનોએ પોલીસ સમક્ષ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર, મૃતક શીતલની ઓળખાણ થોડા સમય પહેલાં એક કથિત તાંત્રિક સાથે થઈ હતી. ધીમે-ધીમે બંને વચ્ચે નિકટતા વધી અને પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે, જ્યારે શીતલે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે પ્રેમીએ મોટો દગો આપતાં ખુલાસો કર્યો કે તે અગાઉથી જ પરણિત છે અને બે બાળકોનો પિતા પણ છે. આ વાત જાણીને શીતલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તે છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવ (ડિપ્રેશન) માં સરી પડી હતી.













