કેન્દ્રિય કેબિનેટે અમદાવાદ મેટ્રોના બીજા ફેઝને મંજૂરી આપી દીધી છે. આ પરિયોજના મુજબ કોટેશ્વર રોડથી અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ સુધી 6 કિમી લાંબો મેટ્રો કોરિડોર બનશે. વડાપ્રધાનના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રો ટ્રેનના બીજા ફેઝના વિસ્તરણને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ શરૂ કરાવેલી આ મેટ્રો ટ્રેનમાં શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં કુલ 1395.68 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે.
મેટ્રો અમદાવાદની લાઈફ લાઈન બની
અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેન સેવા હવે નાગરિકોની જીવાદોરી સમાન બની ગઈ છે.છેલ્લા આંકડાઓ અનુસાર અમદાવાદ મેટ્રોમાં અત્યાર સુધીમાં કુલ 1395.68 લાખ (13.95 કરોડથી વધુ) મુસાફરોએ મુસાફરી કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.અમદાવાદમાં મેટ્રો ટ્રેન રૂપે પબ્લિક ટ્રાન્સપોર્ટના એક નવા યુગની શરૂઆત ઓક્ટોબર 2022માં થઈ હતી શરૂઆતના ટૂંકા ગાળામાં જ આ સેવાએ લોકોના દિલ જીતી લીધા હતા.ત્યારબાદ મેટ્રો નેટવર્કનો વિસ્તાર કરવામાં આવ્યો અને સપ્ટેમ્બર 2024માં અમદાવાદને પાટનગર ગાંધીનગર સાથે જોડતો મહત્વકાંક્ષી રૂટ શરૂ કરવામાં આવ્યો હતો.













