આજે અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.બ્લાસ્ટની ધમકીના મેઈલ મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી.સ્વર્ણિમ સંકુલ-4માં મુખ્યમંત્રીનું કાર્યાલય આવેલું છે.બીજી તરફ અમદાવાદમાં મહાનગર પાલિકાની કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસે ત્યાં પણ તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. 


સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ 

ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં બોમ્બની ધમકી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં કોઈજ શંકાસ્પદ ચીજ નહીં મળતાં હાશકારો અનુભવાયો છે. અજાણ્યા ઈમેલ આઈડી પરથી ધમકીનો મેઈલ આવ્યો હતો. CM ઓફિસને બપોરે 1.11 વાગ્યે ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ઉપરાંત RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીઓ મળતાં જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.  

પોલીસની તપાસ પૂર્ણ થતાં હાશકારો

અમદાવાદમાં પણ દાણાપીઠ AMC કચેરીને બોમ્બથી ઉડાવાની ધમકી મળતાં પોલીસે તપાસ કરી હતી. પોલીસની તપાસમાં કોઈ જ સંદિગ્ધ વસ્તુ નહીં મળતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કારંજ પોલીસના ઈમેલ પર ધમકીનો મેઈલ આવ્યા બાદ DDS, SOG, સ્થાનિક પોલીસની ટીમે તપાસ કરી હતી. કોર્પોરેશન ઓફિસને બપોરે 3 વાગ્યે બ્લાસ્ટની ધમકી મળતાં જ સમગ્ર પરિસર ખાલી કરાવાયું હતું. પોલીસની તપાસ પૂર્ણ થતાં હાશકારો અનુભવાયો હતો. 

અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બની ધમકીના બે ગુના દાખલ

આ બંને ઘટનાને લઈને રાજ્યના પોલીસ વડા જી.એસ. મલીકે કહ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બની ધમકી અંગેના બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં સાયબર સેલમાં ગુનો નોંધાયો છે અને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધમકી આપનારા અજાણ્યા લોકોએ VPNનો ઉપયોગ કરી ઇમેલ કર્યો હતો. ખાલિસ્તાની પેટર્ન પર તપાસ ચાલુ કરવામાં આવી છે.  

આ પણ વાંચોઃ Delhi : હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી



  • Follow us on: