મેગા સિટી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવાના શોખ વચ્ચે માલિકોની ઘોર બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળક ભોગ બન્યું હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં એક હિંસક અને પ્રતિબંધિત ગણાતી 'રૉટવીલર' નસ્લના પાલતુ શ્વાને 9 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરી દીધો છે. શ્વાન માલિક દ્વારા કોઈપણ પ્રકારની સુરક્ષા કે સાવચેતી રાખ્યા વિના આ ખૂંખાર શ્વાનને જાહેરમાં રેઢો મૂકી દેવામાં આવ્યો હતો, જેને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. ઘટનાને પગલે લાડ સોસાયટી સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને રોષનો માહોલ છે.
9 વર્ષના બાળક પર રૉટવીલરે ઓચિંતો હુમલો કર્યો
મળતી વિગતો અનુસાર, સોસાયટીમાં રહેતા 9 વર્ષના બાળક પર આ રૉટવીલરે ઓચિંતો હુમલો કરીને તેને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. શ્વાન એટલો હિંસક બન્યો હતો કે તેણે માસૂમ બાળકને માથાના ભાગે અને આંખની આસપાસના અત્યંત સંવેદનશીલ ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને શ્વાનના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં માસૂમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે













